પૃષ્ઠ:Karanghelo.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૬૬ )

વખતે તેના ડહાપણનું ફળ એ થયું કે મુસલમાન લશ્કરનું કાંઈ ચાલ્યું નહીં. તેઓ રોજ રોજ તેના ઉપર હુમલો કરતા. પણ હરેક વખતે હાર ખાધા વિના તેઓ પાછા જતા નહી, મુસલમાન સીપાઈઓ ઘણા ગભરાયા તથા ચીઢવાયા. તેઓનો સરદાર પણ ઘણો ગુસ્સે થયો, અને જય પામ્યા સિવાય ત્યાંથી જવું નહીં, એવો તેણે પક્કો ઠરાવ કીધો. પણ તેનાં માણસો ઘણાં મરાયાં, બાકી રહેલાં નિરાશ તથા નાહિમ્મત થઈ ગયાં. અને બીજા સીપાઈઓ એકઠા કરવાને તેણે જે મેહેનત કીધી તે હજી સુધી પાર પડી નહી. તેને ઘણી જ શરમ લાગી, તથા આટલાં થોડાં માણસને તેનાથી હાંકી કઢાતાં નથી, એ વાત જો મલેક કાફુર અથવા પાદશાહ જાણશે તો તેની કેવી ફજેતી થશે, તથા આગળ જે જે પરાક્રમો કરી તેણે કીર્તિ મેળવી હતી, તે સઘળી આ સેહેજ વાતમાં ડુબી જશે, એવી ચિંતા થવા લાગી. તેણે ઘણાં ફાંફાં માર્યા, તેણે લશ્કર ઉપાડી છાનામાના બીજા રસ્તાઓમાંથી જવાનું કીધું, પણ જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તેની સામે તૈયાર થયેલા રજપૂતો લડવાને નીકળ્યા, અને કરણ પણ પોતાના માણસોની સાથે બહુરૂપી અથવા ભૂત હોય તે પ્રમાણે રસ્તાને મથાળે માલમ પડ્યો. એ પ્રમાણે બે મહીના સુધી કરણ રાજાએ ઘણા ડહાપણથી તથા બહાદુરીથી લડાઈ ચલાવી, અને અલફખાંએ ગમે તેટલા પ્રયત્ન કીધા તો પણ તેને કોઈ પણ રસ્તે બાગલાણ આવવા દીધો નહીં. મુસલમાન સીપાઈઓ થાકી ગયા, અને તેઓનાં ઘણાંએક માણસો માર્યા ગયાં હતા તેથી અલફખાંએ ઠરાવ કીધો કે જ્યાં સુધી નવા બોલાવેલા સીપાઈઓ આવી પોંહોંચે ત્યાં સુધી લડાઈનું કામ બંધ રાખી એક ઠેકાણે છાવણી નાંખીને રેહેવું. એ ઠરાવથી કરણને પણ મોટો ફાયદો થયો. તે પણ લડી લડીને કાયર થઈ ગયો હતો; તેને ઘણા એક જખમ વાગ્યા હતા, તથા લડાઈની થાક તથા ફિકર ચિંતાથી તેનું મન બેબાકળું થઈ ગયું હતું. તેને આરામ લેવાની ઘણી જ જરૂર હતી, તેનાં માણસો અસલ પાંચ હજાર હતાં તે મરતાં તથા ઘાયલ થતાં માત્ર બે હજાર રહી ગયાં હતાં. તેઓ પણ ઘણાં અશક્ત થઇ