પૃષ્ઠ:Karanghelo.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૬૮ )

કરવાને રજપૂતોને થોડી જ ફીકર હોય છે. તેઓના તો આબરૂ વિષે ઘણા જ વિલક્ષણ વિચાર હોય છે, જે વાતમાં તેઓએ આબરૂ માની લીધી તે વાતમાં ગમે તેવું ક્રૂર કામ કરવું પડે તો પણ તેઓ જરા પણ આચકો ખાતા નથી. વળી તેના વિચાર પ્રમાણે સ્ત્રી જાતિને આબરૂ સૈૌથી વધારે પ્યારી હોવી જોઈએ, અને તેઓના ભાટચારણના રાસા તથા દંતકથા ઉપરથી જણાય છે, કે ઘણાંક બઈરાંએ આબરૂનું પ્રતિપાલન કરવાને જ પોતાનો વહાલો પ્રાણ અર્પણ કરેલો છે. માટે આવી વખતે દેવળદેવીએ પણ મુસલમાનોના હાથમાં પડવા કરતાં પોતાને હાથે પોતાનો પ્રાણ કાઢવો જોઈએ, અને જ્યારે તે પોતાની મેળે તેમ કરતી નથી, ત્યારે કોઈએ તેને વાસ્તે તે કામ કરવું જોઈએ.

એ પ્રમાણે એક રાત્રે કરણ પોતાના મનમાં વિચાર કરતો હતો. ઘરમાં સઘળાં ચુપાચુપ સુઈ ગયલાં હતાં. એક દીવો માત્ર ઝાંખો ઝાંખો બળ્યાં કરતો હતો, અને મધ્યરાત્રને સમયે તેનો સુવાનો ઓરડો જાણે ખાવા ધાતો હોય એવો દેખાતો હતો. એવે વખતે વિચાર કરતાં કરતાં એટલો તો તે જુસ્સા ઉપર ચઢી ગયો, તથા તેને એટલું તો શૂર ચઢી આવ્યું કે પથારી ઉપરથી એક છલંગ મારી તે કૂદી પડ્યો અને પોતાની તલવાર ખેંચી જે ખાટલા ઉપર દેવળદેવી સુતેલી હતી ત્યાં જઈને ઉભો રહ્યો. દેવળદેવી ભર નિદ્રામાં સુતેલી હતી. તેના સુંદર કેશ છુટા વખેરાઈ ગયલા ગમે તેમ પડેલા હતા. તેની ચળકતી આંખો ઉપર પોપચાં અડધાં બીડાયલાં હતાં, તે રાત્રે જેમ કમળના પુલની પાંખડીઓ બંધ થાય છે તેના જેવી દેખાતી હતી. તેના ઓઠ જરા જરા આઘા રહેલા હતા, તેમાંથી તેનો ખુશબોદાર શ્વાસ નીકળતો હતો, અને એક ખીલેલા ગુલાબની પેઠે તેઓ મન્દમન્દ હસતા હોય એમ દેખાતા હતા. તેનું આખું શરીર નિદ્રાને વશ થઈ બેભાન પડ્યું હતું. અને તેનું સુંદર વદન નિર્દોષપણાને લીધે આનન્દમાં દેખાતું હતું. તે સ્વર્ગથી ઉતરી આવેલી અપ્સરાના જેવી લાગતી હતી, તેને માત્ર જોવાથી જ ગમે તેવા ખુની માણસનું પણ ખુન ઉતરી જાય, આવા પરલોકના પ્રાણીને ઉપદ્રવ સરખો પણ થાય