પૃષ્ઠ:Karanghelo.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૬૯ )

નહી તો પછી તેને મારવાને કયા દુષ્ટ ચંડાળનો હાથ ઉપડે ? વળી આ ઠેકાણે તો તેનો બાપ જ ખુની હતો. તે બંનેની વચ્ચે સહવાસથી ઘણો જ ગાઢો પ્યાર બંધાયલો હતો. જેથી જ્યારે કરણે તેની ઉંઘતી દીકરીનું મ્હોં જોયું એટલે તુરત તેના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ અને તે ત્યાં સ્તબ્ધ થઈને ઉભો રહ્યો. અરે ! હું કેવો રાક્ષસ ! હું કેવો રાની પશુ ! કે આવું નિર્દય કામ કરવા તૈયાર થયો હતો. અરે પરમેશ્વર ! તેં ઠીક વખતે મને રોક્યો, નહી તો આજ હું મારી આ તલવાર મારી છોકરીના અંત:કરણમાં ખેાસત. શિવ ! શિવ ! શિવ ! રે ભગવાન ! હું આ શું કરતો હતો ? શું હું મારે હાથે મારૂં વાવેલું કુમળું ઝાડ કાપી નાંખતો હતો ? શું મારે હાથે મારી જીન્દગીનો આધાર તોડી નાંખતો હતો ? તે કરતાં તેને શંકળદેવને પરણાવવામાં શી હરકત છે? તેને તેની સાથે પરણવું બહુ ગમે છે; શંકળદેવને વાસ્તે હરઘડી હિજરાયાં કરે છે; તેણે શંકળદેવના વિયોગથી પોતાની સઘળી કાયા ગાળી નાંખી છે ત્યારે જો હું તેને દેવગઢ પરણાવું તો લડાઇ પતી જાય. દેવગઢનો રાજા તેનું રક્ષણ કરવાને સમર્થ છે, અને તેને તો જુદા કારણને સારૂ અલાઉદ્દીનના લશ્કર સાથે યુદ્ધ કરવું જ છે. માટે તેની સાથે એ છોકરીનું લગ્ન કરવું. તેની જાત હલકી તો છે ખરી, તે મરેઠો છે માટે તેની પદવી રજપૂતોના જેટલી તો નથી તો પણ તેઓ યાદવ છે; અને આવી લાચારીને વખતે કુળ જોવામાં કાંઈ ફાયદો નથી ઉલટું નુકસાન છે. માટે શંકળદેવ તથા દેવળદેવીએ જે ખાનગી લગ્નની પ્રતિજ્ઞા કીધી છે તે મારે મંજુર છે. એ ઠરાવથી તેને શાંતિ થઈ, અને તેના મનનું તોફાન નરમ પડી, તેને ઉંઘ આવી.

આ વાત બન્યા પછી થોડેક દહાડે કરણની છાવણીમાં એવી બુમ ચાલી કે દેવગઢ તરફથી એક લશ્કર આવે છે. તે કોનું હશે એ ન જાણવાથી કરણના સીપાઈઓમાં ઘણો ગભરાટ થયો, અને તેઓના મનમાં એવો સંદેહ ઉપજ્યો કે જે લશ્કરની મુસલમાન લોકો રાહ જોય છે તે એજ હશે. તેથી તેઓ સઘળા તેને અટકાવવાને તૈયાર