પૃષ્ઠ:Karanghelo.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૭૧ )

નિરાશ થઈ મારીને મરવું, એવો નિશ્ચય કરી લડવાને ઉભા રહ્યા. પણ શેરને માથે સવાશેર, અજાણે ઠેકાણે ઝાડી અને પહાડોની વચ્ચેવચ આવી ગયેલા અને દુશ્મન એક પણ જણાય નહીં, પણ તેઓનાં તીરને વરસાદ માથા ઉપર વરસ્યાં જ કરે, તેથી એક બે દહાડામાં તેઓ સઘળા માર્યા ગયા, અને તેઓમાંથી એક પણ પોતાના સોબતીઓની ખબર કરવાને અલફખાંની પાસે જઈ શકયો નહી.

ભીમદેવનું કરણે ઘણું સન્માન કીધું તથા તેને પરોણો જાણી પોતાની પાસે રાખ્યો, રસ્તાની મુસાફરીથી જે થાક લાગ્યો હતો તે ઉતર્યા પછી ભીમદેવે દેવળદેવીની વાત કાઢી, અને કરણને સમજાવીને કહ્યું કે “શંકળદેવ તથા દેવળદેવીની વચ્ચે અસાધારણ પ્યાર બંધાયેલો છે. શંકળદેવ દેવળદેવી વિના ક્ષયરોગમાં પડ્યો છે; અને તેને જો તે નહી મળશે તે તેનું નક્કી મૃત્યુ થશે, દેવળદેવીને પણ તે જ પ્રમાણે તેને વાસ્તે લાગતું હશે. હવે તેઓને પરણાવવામાં તમારી તરફથી શી હરકત છે? કુળની. બીજી કાંઈ નથી. પણ તમે મારા અભિપ્રાય પ્રમાણે એવા મુર્ખ નહીં હો કે એવી જુજ વાતને વાસ્તે તમારી છોકરીના સુખનો નાશ કરશો, તથા તમને થતા લાભ મૂકી દેશો. કુળની વાત ઘણી જ નજીવી છે. જેવા તમે રજપૂત તેવા અમે યાદવ છીએ. માટે એ લગ્ન કરવામાં તમને કાંઈ કલંક લાગવાનું નથી; પણ ફાયદા કેટલા થશે એને તે વિચાર કરો. આ સઘળી લડાઈ દેવળદેવીને વાસ્તે છે. જો અલફખાંને ખબર થશે કે જે રાજકન્યા લેવા આવ્યા છીએ તે તો બીજાના હાથમાં જઈ ચુકી તો તે તુરત છાવણી ઉપાડી અમારી સાથે લડવાને આવશે, પછી અમે છીએ અને તેઓ છે. વળી અમે તમને માણસની તથા પૈસાની મદદ કરીશું, એટલે જ્યાં સુધી મારાથી દેવળદેવીને લઈને દેવગઢ પહોંચાશે નહી ત્યાં સુધી આપણે બચાવ કરી શકીશું. માટે મારી વાત કબુલ કરો.”

કરણને એ સઘળું સાંભળવાની આશા જ હતી, તથા તેને શો જવાબ દેવો, એ પણ તેણે આગળથી નક્કી કરી રાખેલો જ હતો. તેપણ તે બહારથી ઘણો દિલગીર જણાયો, અને થોડી વાર સુધી જવાબ