પૃષ્ઠ:Karanghelo.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૭૮ )

અનાજ આવતું બંધ કરે અને તેથી ભુખમરાને લીધે આપણને શરણ થવાની જરૂર પડે; ત્યારે કેમ કરવું ? નાસવાનો રસ્તો કદાચ રહે નહીં; પણ સઘળી હકીકત ઉપર વિચાર કરતાં તેઓ સઘળાએ જલદીથી પાછા ફરી કિલ્લામાં જવાનો એકમતે ઠરાવ કીધો.

ઉપર પ્રમાણે હુકમ થતાં જ સઘળું લશ્કર ભારે દિલગીરીની સાથે પાછું ફર્યું અને યમના રાજ્ય તરફ જતા હોય તેવી મનોવૃત્તિ રાખીને તથા જીવવાની સઘળી આશા છોડી દઈને, અને બઈરી છોકરાં તથા બીજાં સબંધીઓને વિસારી દઈને તેઓ આગળ ચાલ્યા. અને સઘળા વિચારમાં તથા ફિકરમાં ગરક થઈ ચુપાચુપ ચાલતા હતા. પાછળ અલફખાંનું લશ્કર ઘણુ ઉમંગમાં તથા જય મેળવવાને પક્કો ભરોસો રાખી કુચ કરતું હતું. તેઓને પણ અનાજની તાણ હતી, પણ તેઓએ અનાજ પૂરું પાડવાને વેપારીઓ જોડે બંદોબસ્ત કીધો હતો, સઘળાં નાકાં તેઓના હાથમાં આવ્યાં એટલે તેઓની છાવણીમાં વણજારને આવવાની કોઈ હરકત રહી ન હતી, તેની સાથે વળી તેના રસ્તામાં તથા તેની આસપાસ જે જે ગામે આવતાં ત્યાં જઈ સઘળું અનાજ લુંટી લાવતા તે તેઓને મુસાફરીમાં કામ લાગતું હતું. વળી તેણે સઘળાં ગામોના લોકોને સમજાવીને શેહેર તરફ હાંકી મૂકયા, અને તે લોકોને પણ અનાજ ગયા પછી જીવવાનો કશો આધાર રહ્યો નહી, તેથી તેઓ પણ પોતાનાં બઈરાં છોકરાં તથા સાથે લઈ જવાય એવી માલમતા જોડે રાખી બાગલાણ તરફ જવાને નીકળ્યા, અને કરણ કિલ્લામાં પહોંચ્યો નહી એટલામાં તો તેઓ શેહેરમાં દાખલ થઈ ગયા. એ પ્રમાણે તે શેહેર લશ્કર સિવાયના માણસોથી ખીચોખીચ ભરાઈ ગયું, પછી એક બે દહાડામાં કરણના લશ્કરે શેહેરમાં પડાવ નાંખ્યો, અને કિલ્લાને તથા શેહેરને બચાવ કરવાને સઘળી તૈયારી કરવા માંડી. લુહારની દુકાનો જાગૃત થઈ ગઈ; ભાલાઓ, તીરનાં ભાલુડાં, બખતર વગેરે હુમલો તથા બચાવ કરવાનાં શસ્ત્રો તૈયાર થવા માંડ્યાં, તથા શેહેરમાંના જુવાન પુરૂષોએ પણ જરૂર પડે તે લડવાને વાસ્તે સામગ્રી કરવા માંડી.