પૃષ્ઠ:Karanghelo.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૮૦ )

હતો, અથવા આસપાસનાં નદીનાળાં આગળ શિયાળવાં ભુંકતાં હતાં, તે શબ્દ કાને પડતો હતો. આકાશમાં ચન્દ્રમા નહીં હતો. અને તારાઓથી જે થોડું અજવાળું પડતું હતું તેમાં ઝાડો તથા ટેકરીઓના ઓળા પડવાથી તેટલો થોડો પ્રકાશ પણ ઝાંખો થઇ ગયો હતો. ડગલે ડગલે સીપાઈઓ ઠોકર ખાતા હતા, પણ રસ્તાના જાણનાર ભોમીયા સાથે હતા તેથી આવી અન્ધારી રાત્રે તેઓ ચાલી શક્યા. થોડેક આગળ ચાલ્યા એટલે તેઓએ દુશ્મનની છાવણી દીઠી. તેને ઓળખવાની નિશાની એટલી જ હતી કે તેની આસપાસ ચોકીદાર લોકોએ મોટાં મોટાં તાપણાં સળગાવ્યાં હતાં. તેનાં અજવાળાને સુમારે તેઓ આગળ ચાલ્યા, અને શત્રુની છાવણી આગળ લગભગ આવી પહોંચ્યા. તે વખતે સઘળા મુસલમાનો ભરનિદ્રામાં પડેલા હતા, જે કોઇ જાગતું હતું તે પણ સુઈ રહેલું હતું. કરણે પોતાના લશ્કરની ગોઠવણ કીધી, તથા અન્ધારામાં કેમ લડવું એ બાબે સઘળા હુકમ જુદા જુદા સરદારોને આપી દીધા. પછી પેહેલો જે પહેરેગીર તેઓને મળ્યો તેને તુરત ઠાર માર્યો. પણ તેમ કરવામાં એવું બન્યું કે તેણે મરતી વખતે મોટી ચીસ પાડી, તેથી પાસેના પહેરગીર જાગી ઉઠ્યા, અને બળતાંના અજવાળા ઉપરથી સાફ માલમ પડ્યું કે રજપૂતોનું તમામ લશ્કર તેઓના ઉપર આવી પડયું છે આ વાત માલુમ પડતાં જ છાવણીમાં તેઓએ દોડાદોડ કરી મુકી, અને સઘળે ઠેકાણે શત્રુના આવવાની ખબર પહોંચાડી દીધી. મુસલમાનોમાં ગડબડાટ થઈ ગયો; સીપાઈઓ ઝપાઝપ ઉઠીને હથીયારબંધ થઈ ગયા; અલફખાં તુરત બહાર આવ્યો, અને પોતાના માણસોની વ્યવસ્થા કરવાને તેણે ઘણી મેહેનત લીધી. એટલા વખતમાં રજપૂતોઓ જે જે મુસલમાન તેઓના હાથમાં આવ્યા તેઓને કાંઇ પણ દયા લાવ્યા વગર કાપી નાંખ્યા. એ પ્રમાણે આખું લશ્કર ચીરીને કરણના માણસો બહાર જઇ શકત પણ અલફખાંએ ઘણા થોડા વખતમાં લશ્કરની ગોઠવણ કીધી, અને દુશ્મનને અટકાવવાને ધીરજથી ઉભો રહ્યો. જો આ વખતે રાત અજવાળી હોત તો કરણ તથા દેવળદેવી સહેજ શત્રુના સપાટામાંથી બચી જઈ શકત; પણ આ વખતે