પૃષ્ઠ:Karanghelo.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૮૫ )

ભૂલી જઈને પાછા કિલ્લા તરફ ફરવાને પોતાના માણસોને ફરમાવ્યું. તેઓને પણ એટલું જ જોઈતું હતું માટે જ્યારે આવી રીતે તેઓને પોતાના સરદાર તરફથી પાછા ફરવાની આજ્ઞા થઈ એટલે તુરત તેઓ બંદોબસ્તની સાથે પાછા હઠ્યા, અને શેહેર તરફનો રસ્તો પકડયો. તેઓને જોઈને તમામ રજપૂત લશ્કરે પોતાની પીઠ ફેરેવી અને ભીમદેવનાં માણસોની સાથે તેઓ પણ ચાલ્યા. જ્યારે એવો જ જુવાળ બેઠો ત્યારે તેને કોણ અટકાવી શકે? ઘેટાંના ટોળાંમાંથી એક ઘેટું જે રસ્તે જાય તે રસ્તે બીજાઓ પણ ચાલ્યા વિના રહેજ નહીં એવો નિયમ છે, તે જ પ્રમાણે લશ્કરમાં થોડા નામરદ તથા બીહીકણ લોકો નાસવા માંડે એટલે બીજાઓને ચેપ ઉડે છે, અને તેઓને પણ તેઓના સોબતીની પેઠે કરવાનું વલણ થઈ આવે છે. કરણનું લશ્કર જલદીથી બાગલાણ તરફ વળ્યું, અને તેઓની પાછળ મુસલમાનોએ દોડ કીધી. રજપૂતો નાસતા ગયા, તથા પાછા ફરી ફરીને દુશમનોની સામા લડતા ગયા. એમ કરવામાં તેઓનાં ઘણા માણસો કપાઈ ગયાં, અને કિલ્લામાં પેસતાં પહેલાં એક સાંકડી નાળ હતી તેમાં તેઓ આવ્યા ત્યાંથી મુસલમાનો અટકયા તેઓ રજપૂતોની પાછળ વધારે આવ્યા નહી. તેઓ પોતાની છાવણીમાં પાછા ગયા, અને રજપૂતો થાકેલા, અથડાયલા, તથા હાર અને માર ખાધેલા બાગલાણ શેહેરમાં પેંઠા, મુસલમાનોએ તેઓને વધારે ઉપદ્રવ કર્યો નહી, પણ તેઓએ શેહેર તમામ ઘેરી લીધું હતું તેથી કોઈ પણ માણસ તેમાંથી બહાર જઈ શકતું નહી, તથા કોઈ તેમાં આવી શકતું નહી. શેહેરમાં અનાજ ન જવા દેવાનો ઘણો જ પાકો બંદોબસ્ત રાખ્યો હતો. રજપૂતો શેહેરમાં જઈને ઘણા જ ઉદાસ તથા શોકાતુર થઈને પડી રહ્યા, હવે તેઓને વધારે વાર લડવાની હિમ્મત રહી નહી. તેઓનો ઉમંગ જતો રહ્યો, તથા તેઓ નિરાશ થઈ ગયા. આ વખતે જો શેહેર ઉપર મુસલમાનો હુમલો કરે તો શું કરવું? લશ્કર તો વધારવું જોઈએ, અને જો બની શકે તો દુશ્મનોના ઉપર આવો બીજો હુમલો પણ કરવો. શેહેરમાં પડી રહેવાથી અનાજ ખપાવી દેવું, દુકાળને વેહેલો આણવો તથા શત્રુને શરણે જવાનો પ્રસંગ ઉતાવળથી લાવવો, એવી તરેહના બીજા ઘણા ગેરફાયદા હતા.