પૃષ્ઠ:Karanghelo.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૮૬ )

જો લડવાને બહાર જવાય અને રાતની વખતે છાપો મરાય, તો કદાચ નાશી જવાનો પ્રસંગ મળે, અને એ પ્રમાણે સઘળાં માઠાં પરિણામોનું એકદમ નિવારણ થાય. વળી એ પ્રમાણે કીધાથી દુશ્મનોનાં ઘણાંએક માણસો માર્યા જાય, તથા તેઓ થાકી જઈ લડાઈથી કંટાળીને મુકામ ઉઠાવી ચાલ્યા જાય. એટલા માટે શહેરના રહેવાસીમાંથી જે જે જુવાન તથા લડવાના સામર્થ્યવાળા હતા તેઓને લશ્કરમાં સામેલ કરવાને કરણે ઘણી મહેનત કીધી. પણ તેઓમાંના ઘણા જ થોડા લડવાને તૈયાર થયા, તેઓને લડાઈમાં જવાની ટેવ ન હતી, તેઓએ રણસંગ્રામ ક્વચિત જ જોયેા હતો; તેઓના શહેર ઉપર તેઓના વખતમાં કોઈએ ચઢાઈ કરી ન હતી તેથી તેઓને લડવાનો બિલકુલ મહાવરો ન હતો; તેઓનું શૂરાતન પ્રકટ થયલું ન હતું, માટે ઘણાએકે જુઠાં બહાનાં કાઢયા, કેટલાએક સંતાઈ બેઠા, અને કેટલાએકે તે શરમ મૂકી સાફ ના જ કહી. તેઓ સઘળા કરણના ઉપર ગુસ્સે થયેલા હતા, તેઓના શેહેર ઉપર આ આફત આવી પડી તેનું કારણ કરણ છે, એમ જાણીને તેઓ રાત દહાડો તેને અંત:કરણથી ગાળો દેતા હતા. શેહેરમાં અનાજની ઘણી જ મોંઘવારી થઈ ગઈ હતી, તથા બીચારા સેંકડો ગરીબ લોકો મરી જતા હતા તેઓ કરણ તથા દેવળદેવી ઉપર નિસાસો મૂકતા હતા, શેહેરમાંના જે જુવાન લોકો લડવાને તૈયાર થયા હતા તેઓનાં માબાપ તથા બઈરાં છોકરાં પણ કરણને શાપ દેતાં હતાં, જે નવાં માણસો કરણના લશ્કરમાં ઉમેરાયાં તેથી કાંઈ તેમાં ઝાઝો વધારો થયો નહી, માટે ભીમદેવે શહેરનાં મુખ્ય મુખ્ય માણસોને પોતાની પાસે બોલાવ્યાં, ને તેઓને સમજાવ્યું કે “હાલ જે લડાઈ ચાલે છે તે કરણ રાજા ઉપર નથી, પણ તે તો દેવગઢના રાજા રામદેવજી, જે તમારા સઘળાના રાજા છે, તેના ઉપર ચાલે છે, કેમકે તમે સઘળા જાણો છોકે લડાઈનું કારણ દેવળદેવી છે; તેને મ્લેચ્છ લોકોને પોતાને વાસ્તે લઈ જવી છે, પણ તે તો આપણા શંકળદેવની સાથે પરણી ચુકી છે, માટે તે તમારી રાણી છે તમારે તમારી રાણીના બચાવને વાસ્તે લડવાનું છે, તમારે તમારા રાજાની પ્રતિષ્ઠા રાખવાની છે, અને આજે જો તેઓ તમારા રાજાના ઘરની રાણી લઈ જશે તો કાલે તમારાં ઘરનાં