પૃષ્ઠ:Karanghelo.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૯૫ )

તેજ તલવાર સાથે રાખીને કિલ્લામાંથી બહાર નીકળ્યો. તેનો દેખાવ જોવાથી જ તુરત જણાઈ આવે કે તે વખતે તે કાંઈ ભયંકર કામ કરવાને જાય છે. તે પોતાની દીકરીને જગાડીને છેલ્લી વાર મળ્યો પણ નહીં, તે પણ તેને અંતઃકરણથી આશીર્વાદ દઈને તથા તેની જીંદગી અને પ્રતિષ્ઠાના સંરક્ષણ વાસ્તે પરમેશ્વરની પ્રાર્થના કરી ત્યાંથી ચાલી નીકળ્યો. બહાર મેદાનમાં પૂર ચાંદરણું ખીલી રહ્યું હતું તેમાં વચ્ચે વચ્ચે ઝાડો તથા ડુંગરેના ઓળા પડ્યા હતા. હવા બિલકુલ સ્થિર હતી, ઝાડનાં પાંદડાં લગાર પણ હાલતાં ન હતાં, સઘળું ચુપાચુપ હતું, તેમાં કરણનાં પગલાં સાફ સંભળાતાં હતાં, તે વખતે વખતે ઈશ્વરનું સ્મરણ કરતો હતો, અને આખી દુનિયાની આ છેલ્લી ભેટ લેતો હતો. થોડીએક વાર સુધી ઉંચી નીચી ભેાંય પર ચાલ્યા પછી તે એક મોટા મહાદેવના દેહેરા આગળ આવી પહોંરયો, તે દેવસ્થાન તે જગોએ,એ ઘણું નામાંકિત હતું, અને તે ઘણું વિસ્તીર્ણ હતું, તે રાત દહાડો ઉઘાડું હતું, અને આ વખતે તેમાં કે તેની આસપાસ કોઈપણ માણસ ન હતું. કરણ તે દેહેરામાં જઈ જ્યાં શિવલિંગ હતું ત્યાં ઉભો રહ્યો, તેણે ત્યાં કેટલીક વાર સુધી એકચિત્તે મહાદેવની સ્તુતિ કીધી, પછી મહાદેવની પૂજા કીધી, અને થોડાંક ફુલ પોતાની સાથે લઈ આવ્યો હતો તે તેના ઉપર ચઢાવ્યાં, પછી તે ઘણા જુસ્સાથી ઉભો થયો, અને તલવાર મિયાનમાંથી કાઢીને પોતાની ડોકે અડકાડી મોટેથી અને જુસ્સાથી બોલ્યો: “ હે મહાદેવ ! હે ભોળાનાથ ! હે શંકર ! હું કેવી આફતમાં આવી પડ્યો છું તે તું સારી પેઠે જાણે છે. તેમાંથી ઉગરવાનો કાંઈ રસ્તો સુઝતો નથી, માટે રે જગતના પ્રલયકર્તા ! આ તારી સમક્ષ મારો દેહત્યાગ કરૂં છું, નહી તો બચવાનો માર્ગ બતાવ.” એટલું કહો તેણે તલવાર આઘી ખસેડી જોરથી ઉગામીને ડોક ઉપર મારવાની તૈયારી કીધી; પણ તેટલામાં કોઈએ તેનો હાથ પકડ્યો હોય એમ લાગ્યું. તેની તલવાર ભોંય ઉપર પડી ગઈ અને આકાશવાણી થતી હોય એમ ઘુમટમાંથી નીચે પ્રમાણે શબ્દ સંભળાયો–“ અરે કરણ રાજા ! તારા દુ:ખનો પાર જ નથી, પણ તું આપઘાત કરીશ માં, જે થાય તે થવા દે, તને કાલે બચવાનો રસ્તો