પૃષ્ઠ:Karanghelo.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૦૧ )

આપણને દેવગઢ જવાને વખત મળશે. અલફખાંએ મશાલ તૈયાર કરાવી એટલા જોરથી કુચ કીધી કે છેક કરણની પાસે તે આવી પહોંચ્યો. આ જ વખત સમાલવાનો હતો. આ વખતે કાંઈ તદબીર કરવામાં નહી આવે તો દેવળદેવી નિશ્ચય મુસલમાનોના હાથમાં પડશે, માટે ભીમદેવ પોતાના માણસો સાથે દેવળદેવીને લઈને એક બાજુ તરફના રસ્તા પર નીકળી ગયો, અને અલફખાંને એકલા કરણની પાછળ જવા દીધો. એ પ્રમાણે કરણ તથા દેવળદેવી જુદાં પડ્યા, એ વાત અલફખાંને માલમ ન હતી, માટે તેણે દેવળદેવીની ઉમેદે કરણની પાછળ દોડ કીધી. રાત અંધારી હતી, ઝાડી ઘણી જ ઘાડી આવી પડી; બંને લશ્કરવાળાઓએ તે રાત્રે ઘણું જ દુઃખ ભોગવ્યું, પણ કોઈ હઠ્યું નહી આખી રાત મુસલમાનોએ ચાલ ચાલ કર્યા કીધું; અને જ્યારે સવાર પડી, ત્યારે તેઓ એક મોટા મેદાનમાં આવ્યા એમ તેમને માલમ પડયું, ત્યાં તજવીજ કરતાં જણાયું કે દેવગઢ ત્યાંથી હવે એક મંજલ દૂર રહ્યું હતું. પણ અફસોસની વાત એટલી જ કે કરણનું કાંઈ ઠામ ઠેકાણું જડ્યું નહી; તેની કોઈ નિશાની નજરે પડી નહી. હવે તો નક્કી થયું કે કરણ દેવગઢ પોંહોંચ્યો હશે, અથવા જલદીથી પોંહેાંચશે, માટે પાછળ દોડવામાં કાંઈ ફળ નથી, માટે છેક નિરાશ થઈ અલફખાંએ ત્યાં મુકામ કીધો અને તપાસ કરવાને ચોતરફ માણસો મોકલ્યાં, આખો દહાડો વહી ગયો તોપણ કાંઈ ખબર મળી નહી. કરણ તો દેવગઢ સહીસલામત આવી પહોંચ્યોં. અને ભીમદેવ આડે રસ્તે પડ્યો હતો તે કેટલેક દૂર જઈ એક ગામમાં મુકામ કરી ત્યાં રહ્યો અને તે ઠેકાણે દુશ્મનોનો આવવાનો સંભવ નથી, એવું જાણીને ત્યાં એક દહાડો થાક ખાઈ બીજે દિવસે ત્યાંથી નીકળવું એવો ઠરાવ કીધો.