પૃષ્ઠ:Karanghelo.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૦૩ )

મૃત્યુને કાંઈક હદમાં રાખવું એ તેઓના હાથમાં હતું એ વાત જાણ્યા સિવાય, તેઓ સુખી અજ્ઞાન અવસ્થામાં પોતાના દહાડા કાઢતા હતા. તે ગામના એક નીચા ઘરમાં એક ઓરડામાં તે સાંજરે બે માણસ બેસી ધીમે ધીમે વાતચિત કરતાં હતાં, તેઓમાંથી એક પુરૂષ તથા બીજી સ્ત્રી હતી. પુરૂષની વય આસરે ૪૦ વર્ષની દેખાતી હતી; પણ કેટલાંક કારણોને લીધે તે વૃદ્ધાવસ્થામાં વેહેલો આવી પડયો હોય એમ લાગતું હતું, તેનું શરીર સુકાઈ ગયેલું તથા ચામડીનો રંગ છેક કાળો પડી ગયલો હતો, આખા શરીરે તે ખંજવાળ્યાં કરતો હતો. તેની આંખ લાલચોળ તથા ઉંડી પેસી ગયલી હતી, માથા ઉપર તાલ પડ્યાથી તે કાચના જેવું ચળકતું હતું; અને તે ઉપર આફ્રિકા મહારણમાં લિલોતરીની કોઈ નાની જગા માલમ પડે છે તેમ સફેદ થોડાએક નિમાળા ઉડતા હતા, તેના આખા દેખાવ ઉપરથી જણાતું હતું કે તે કોઈ નઠારા વ્યસનમાં ગરક થવાથી અશક્ત થઈ ગયલો હતો; અને ખરી વાત પણ તેમ જ હતી. તે ભાંગનો પૂરો ગરાડી હતો. આખા દહાડામાં જો તેને આશરે ચાર અથવા પાંચ શેર ભાંગ ન મળે તો તે મરવાતોલ થઈ જાય, પણ એટલી ભાંગથી તે ધરાતો ન હતો. અફીણ, ગાંજો તથા બીજી કેફી વસ્તુઓ પણ રોજ તેના ખપમાં આવતી હતી તેથી આખો દહાડો અમલ કરવા સિવાય તેનાથી બીજું કાંઈ કામ થઈ શકતું ન હતું. આ સઘળાનું પરિણામ એ થયું કે તેનાથી કાંઈ ધંધો રોજગાર થઈ શકતો નહી. ગામમાં ઘામોટપણું કરવામાં જે કાંઈ થોડી ઉપજ આવે તેમાંથી તેની તરફથી કામ કરનાર બ્રાહ્મણને અધોઅર્ધ આપવું પડતું હતું, અને બાકીના અર્ધામાંથી પોતાની સ્ત્રી અને પાંચ છોકરાંનું ગુજરાન કરવું પડતું હતું, તે બીચારો ઘણી કંગાલ અવસ્થામાં હતો, પણ જો તે એકલો હોત તો ગમે તેવી દુર્દશાથી તે સંતોષ પામી પોતાના કાળનો નિર્વાહ કરત, પણ તેની સ્ત્રી ઘણા જ જુદા સ્વભાવની હતી, અને તેના ઠોક તથા ધાકથી નિરન્તર તેને ઉપદ્રવ થયાં કરતો, અને જો કેફના અમલથી તે નિશ્ચિન્ત, તથા સદા આનંદી રહેતો ન હોત તો તેની સ્ત્રીના પૈસાના લોભથી તેનો જલદી અંત આવત, પણ હવે તો