પૃષ્ઠ:Karanghelo.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૦૪ )

તેની બાયડીના ઠોક પણ પવનમાં ઉડી જતા હતા. તેની ગાળ ઘરની ભીંત માને તો તે માને, અને તેના વજ્ર જેવા બોલ તેની હાથી જેવી ચામડી ઉપર અથડાઈને પાછા પડતા હતા. તે સઘળાં કારણોને લીધે તેની બઈરીનો જીવ ઘણો ઉકળી જતો વખતે તેને ક્રોધ એટલો બધો ચઢતો કે પોતાના શરીરને ભારે દુઃખ પહોંચાડતી; ઘણીવાર તે પોતે ભુખી રહેતી; તથા પોતાના ધણીને ભુખ્યો રાખતી, એ વગેરે ઘણેક રસ્તે તેની રીસ ઉભરાઈ જતી. પણ શાંતિ, એ અમૂલ્ય ગુણ તેના સ્વામીમાં જોઈએ તે કરતાં વધારે હતો તેથી આખરે તેનો જ પરાજય થતો. એ ક્રોધાંધ સ્ત્રી શરીરે ઘણી કદાવર હતી. તેના દેખાવ ઉપરથી જ કોઈને ભય ઉત્પન્ન થાય, તેની ઉમર આસરે બત્રીશ વર્ષની હતી. આવી સ્ત્રી જેને હોય તેની ખરેખરી કમબખ્તી જાણવી. જેટલા ગુણો નઠારા ગણાય છે તેઓમાંના ઘણાખરા તેનામાં હતા, ક્રોધ, અદેખાઈ, નિર્દયતા, આદિ બીજા દુર્ગુણોનું તેના મન ઉપર ઘણું પ્રબળ હતું. પણ સૌથી વધારે તેનામાં પૈસાનો લોભ હતો. પૈસાને વાસ્તે તે શું નહી કરે, એ કહી શકાય નહીં. પૈસાને વાસ્તે રાતદહાડો તેનો જીવ બળ્યાં કરતો હતો. પણ ઈશ્વરનો બનાવ એવો બન્યો કે જેટલો તેનો લોભ વધારે તેટલી તેની દરિદ્રતા વધારે હતી. પોતાની અગણિત તૃષ્ણાઓને શાંત કરવાને જોઈએ તેટલા પૈસા તેને મળતા ન હતા એટલું જ નહી, પણ તેને ખાવાપીવાનાં તથા બીજી જીન્દગીને અવશ્ય વસ્તુઓના વાંધા પડતા. એ જ તેને ઘણું ભારે દુ:ખ હતું, અને તેથી જે રીસ તેના મનમાં ઉત્પન્ન થતી તે સઘળી તેના ધણી ઉપર તે કાઢતી. તે દહાડે તેને ઘેર મોટા શ્રીમંત પરોણા આવેલા હતા. ભીમદેવ તથા દેવળદેવી તેઓને ઘેર ઉતરેલાં હતાં. તેઓના દરજજા પ્રમાણે તેઓનું સન્માન કરવું, તેઓને કોઈ પણ પ્રકારે રાજી રાખવાં, એ વિષે તેને ઘણી ચિંંતા થતી હતી. તેને એવી આશા હતી કે જો તેઓ પોતાના રાજકુંવરને ખુશ કરશે તો તેઓ તેને ન્યાહાલ કરી નાંખશે, તથા તેઓનો દહાડો ફેરવી નાંખશે. એ મતલબસર તેણે ઘણીએક ગોઠવણ કીધી; પણ તેટલા ઉપરથી પોતાની ધારેલી મતલબ પાર પડશે,