પૃષ્ઠ:Karanghelo.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૦૫ )

એ બાબત તેને ઘણો શક હતો. માટે આ વખતે કાંઈ તદબીર કરવી જોઈએ. તે શું કરવી એ વિષે તે ઉંડા વિચારમાં પડી હતી. દેવળદેવીના અંગ ઉપર ઘણું કીમતી ઘરેણું હતું તેટલું જ જો હાથ આવે તો જન્મ સુધી પાર પડી જવાય. પણ તે શી રીતે મળે ? મધ્ય રાત્રે તે જ્યારે ભર ઉંઘમાં હોય તે વખત તેને ગુંગળાવી મારી નાંખીને તમામ ઘરેણું ઉતારી લઈ રાતે ને રાતે નાશી જવું અને મુસલમાનોનું લશ્કર પાસે હતું તેથી તેને આશા હતી કે ભીમદેવ તેની શોધ કરવા પાછળ આવશે નહીં. એ વાત ઉપર જેમ જેમ તે દુષ્ટ ચંડાળે વધારે વાર વિચાર કીધો તેમ તેમ તેનું અંત:કરણ વધારે વજ્ર તથા નિર્દય થતું ગયું અને પૈસાના લોભથી તેના મનમાં સઘળા કોમળ વિચાર દબાઈ ગયા.

પણ તે કામ હવે કોણે કરવું ? તેણે પોતાના ધણીને પાસે બોલાવ્યો, અને તેની આગળ સઘળી હકીકત ઘણી અસરકારક રીતે કહી, અને છેલ્લે પોતાનું ધારેલું દુષ્ટ કામ તેની પાસે કરાવવાને તેણે હુકમ કીધો, પોતાની ધણીયાણીમાં પૈસાનો આટલો બધો લોભ હશે, તથા તેને લીધે આવું પાપી કર્મ કરવાને તે કહેશે, એવું હજી લગી તેના મનમાં ન હતું. તેથી આ ધારણા સાંભળીને તેને ઘણું જ આશ્ચર્ય લાગ્યું એટલું જ નહી, પણ તેને ઘણો ક્રોધ ચઢયો, તે બોલ્યો, “અરે! દુષ્ટ ચંડાળણી ! અરે શંખણી ! યુગના માહાત્મયને લીધે તારામાં કેટલું પાપ ભરાયું છે? અરે કસાઈ ! તને આ વિચાર તે કેમ સૂઝ્યો હશે ? અરે મારી પાસે સ્ત્રીહત્યા કરાવવી ? અને તે સ્ત્રી પણ રાજકન્યા, અને આપણા રાજાના પુત્રની સ્ત્રી ? અરરર ! હવે કલિયુગની ભર જુવાની બેઠી. આ કાળમાં પુરૂષો તો દુષ્ટ થઈ ગયા છે; તેઓએ તો સત્ય મૂક્યું; તેઓ પ્રપંચના ઉંડા કુવામાં પડ્યા, તેઓ માયાની મોહજાળમાં ફસાઈ પડ્યા છે; તેઓ પરમેશ્વરનો ભય જરા પણ રાખતા નથી; એ સઘળું તો જોયું છે. પણ સ્ત્રીઓ ! કોમળ હૃદયની સ્ત્રીઓ જેઓ અંધારામાં જતાં બીહે, જેઓ માખી મરતી જોઈને કમકમાટ પામે, જેઓના મનમાં દયા વધારે હોવી જોઈએ, તે સ્ત્રીઓ જ્યારે નિરપરાધી પ્રાણીની હિંસા કરવાનો વિચાર કરે, એથી તો સીમા વળી, અરે