પૃષ્ઠ:Karanghelo.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૦૮ )

તેં મનખાદેહ ધરીને શું સાર્થક કર્યું ? પહેલાં પોતાના કુટુંબનું પોષણ તો થતું નથી. ધિક પડી તારા દેહને ! ધુળ પડી તારા અવતાર ઉપર ! અરે, બળ્યું તારું જીવતર કે બઈરીને લીધે તારૂં પેટ ભરે છે. તારા જેવા માણસ જીવતા અને મુએલ બંને સરખા. તું જીવીને શું ઉકાળે છે? આખો દહાડો નિશો કરીને ગધેડાની પેઠે પડી રહે છે. એવા વર કરતાં રંડાપો પણ હજાર ગણો સારો કે દેખવું એ નહી અને દાઝવું એ નહી, તું ખરેખરો મુએલા જેવો છે. તારા ગયા પછી આ ચુડો ફોડી નાખવો, અને આ ચોટલો બોડાવવો તેમાં દુઃખ શું છે? હું તે જીવતા ધણીએ રંડાપો ભોગવું છું. જે કામ તારે કરવાનું છે તે હું કરૂં છું. જો તું ઉદ્યમ કરી કમાતો હોત તે આ દુષ્ટ કામ કદી કરવું પડત નહીં. એ કલિયુગનું પણ માહાત્મ્ય નથી અને કોઈનું પણ માહાત્મ્ય નથી, એ તે તારૂં માહાત્મ્ય છે. હું જાણું છું કે એ મહા પાપ કરવાથી આપણે કોઈ દહાડો છુટકો થવાનો નથી. એ સ્ત્રીહત્યા કરવાથી જમના માર ખાવા છે, અને નરકના કીડા થઈ અવતરવું છે. પણ શું કરવું ? પેટને અર્થે કરવું પડે છે. શું આપણે જીવતાં સુધી દુઃખમાં અને દરિદ્રતામાં દહાડા કાઢવા ? શું આપણે જીવતાં આપણાં છોકરાંને ભુખે મરવા દેવાં ? અરે ગધેડા ! એ બાળહત્યા શું નહી ? આપણાં પેટનાં છોકરાં ભુખે મરે તે આપણે જોયાં કરીએ, અને સ્ત્રીહત્યા ને ધુળહત્યા કર્યાં કરીએ ! શું પૈસા મળશે તો મારે એકલીને ખાઈ જવા છે? તે સઘળાને કામ આવશે, વળી પૈસાને સારૂ પાપ કોણ નથી કરતું? રાજાથી રંક સુધી સઘળા પૈસાને વાસ્તે પ્રપંચ કરે છે. વ્યાપારીઓ જુઠું બોલે છે તથા ઘરાકોને છેતરે છે; સરકારી કારભારીઓ રૂશવત ખાય છે; કારીગર લોકો વખત ચોરે છે તથા વખતે ખરેખરી જણસની ચોરી કરે છે. બીચારા બ્રાહ્મણોને કાંઈ ચોરવાનું નથી, ત્યારે શું કરવું? પૈસા તો જોઈએ ત્યારે આ મહા પાપ કરવાની જરૂર પડે છે. મેં તો તારું મન જોવાને તને કહ્યું. હું જાણું છું કે તારામાં એવું કામ કરવાની શક્તિ નથી. પણ તું જુઠો ઢોંગ કરે છે તે જોઈને મને ઘણો ક્રોધ ચઢે છે. કેહેવત છે કે “અશક્તિમાન ભવેત્ સાધુ ” તારામાં શક્તિ નથી ત્યારે ધર્માત્માપણું જણાવે છે. અત્યાર