પૃષ્ઠ:Karanghelo.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૦૯ )

સુધી પુરૂષનું કામ હું જ કરતી આવી છું, તું તારી પાઘડીને એબ લગાડે છે. તારી પાઘડી ઉતારીને મને આપ, અને આ મારી કાંચળી તું પેહેર. જો એ કામ કરવાની તારી ખુશી ન હોય, તો મુગો મુગો બેસી રહે, કોઈને કહેતો ના. ભટ આ પોતાની સ્ત્રીનું ભાષણ સાંભળીને છક થઈ ગયો; અને શિવ ! શિવ ! કરી ઈશ્વરનું ધ્યાન ધરી પોતાની જગોએ બેસી રહ્યો.

હવે ભટાણીએ રાતને વાસ્તે સઘળી તદબીર ગોઠવવા માંડી; પણ એ સઘળું કરવાની અગાઉ દેવળદેવીના શરીર ઉપર કેટલું ઘરેણું છે તથા તે ક્યાં ક્યાં છે તે પહેલાં જોઈ લેવાની જરૂર હતી; માટે ભટાણી ખુશ ચહેરો રાખીને દેવળદેવીની પાસે જઈને બેઠી, અને બઈરાંની રીત પ્રમાણે વાત કરવા લાગી, કેટલાએક જુદા જુદા વિષય ઉપર વાત કરીને ઘરેણાં વિષે બોલવા માંડ્યું, અને એમ કરતાં તેનું સઘળું જવેર તેણે જોઈ લીધું, તે વખતે રાત પડેલી હતી, અને જમવાની તૈયારી કરવી હતી, માટે ભટાણીએ તુરત રસોઈ કીધી, પણ તેનું મન રાંધવામાં ન હતું, દાળ દાઝી, ભાત બળી ગયો, અને રોટલી કાચી રહી. ભટાણીને રાત્રે એક દુષ્ટ અને ભયંકર કર્મ કરવાનું હતું, તેથી તેનું મન આવું અસ્થિર થઈ ગયું હતું, એમાં કાંઈ આશ્ચર્ય ન હતું. તેના અંતઃકરણમાં જુદા જુદા વિકારોનું તોફાન થઈ રહ્યું હતું કોઈ વાર દયા જય પામે, એટલે દ્રવ્યનો લોભ જોર પકડીને દયાને દાબી નાંખે, કોઈ વાર ધર્મની વૃત્તિ જોર પકડે ત્યારે પોતાની દુર્બળ અવસ્થા તથા પોતાનાં છોકરાંનું દુઃખ યાદ આવી તે વૃત્તિને કચડી નાંખે. એ પ્રમાણે તેના મનમાં ઉથલપાથલ થઈ રહી હતી પીરસવામાં પણ ભટાણીનું ચિત્ત ઠેકાણે ન હતું તેના દુષ્ટ વિચારથી તેને દૂર કરવાને અંત:કરણ તેને ધીમે ધીમે સમજાવતું હતું, પણ તે એકલાની સામા બોલનારા શત્રુ ઘણા હતા. જમનારાઓએ તેને બેબાકળી થયલી જોઈ, તેનું કારણ શું હશે તે ન જાણ્યાથી તેઓ મુગા બેસી રહ્યા. તેઓ સમજ્યા કે એ સ્ત્રીજાત છે માટે પુરૂષને દેખી શરમાય છે; પણ તેના મનનું માપ તેઓથી થઈ શક્યું નહીં. જ્યારે જ્યારે ભટાણીનું મન સ્થિર થતું, ત્યારે ત્યારે તે બોલતી કે આવા રાજકુંવર