પૃષ્ઠ:Karanghelo.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૧૨ )

પોતાના પરમ પ્રિયનું દર્શન, તેની સાથે પેહેલી મુલાકાત, પરસ્પરનો હેતનો ઉભરો, પ્રેમસહિત વાતચીત, તથા આગળ કેવાં સુખ ભોગવવાં છે, તે સઘળું તેની આંખ આગળ રમી રહ્યું હતું. કલ્પનાશક્તિ જોરાવર હોવાને લીધે તેને અતિ સુખ પ્રાપ્ત થતું. પણ અફસોસ ! ભવિષ્ય ઉપર એક ભયંકર કાળો પડદો પડેલો હતો અને પરમ દયાળુ પરમેશ્વરની કૃપાથી તે પડદાની આરપાર તેનાથી જોઈ શકાતું ન હતું, તેથી તેની પેલી ગમ સઘળું સુખરૂપ છે, એવી કલ્પનાથી તે બીચારી પોતાનો કાળનિર્વાહ કરતી, અને આ પ્રમાણે કલ્પેલું સુખ ભોગવવામાં જ તે નિદ્રાને વશ થઈ.

રાતના બે વાગ્યા. રાતનો ભરપૂર અમલ બેઠેલો હતો. ચન્દ્રમા અસ્ત પામ્યો હતો, અને સઘળે ઠેકાણે અંધકાર વ્યાપી ગયો હતો. આખી સૃષ્ટિમાં ચુપાચુપ હતું. માત્ર વખતે વખતે ઘુડ અથવા ચિબડીનો કઠોર શબ્દ કાને પડતો હતો. આ વખત ચોરોને ઘણો અનુકુળ પડે એવો હતો. એ વખત ભૂત, પિશાચ વગેરે મલીન પ્રાણીઓને બહાર ફરવા નીકળવાનો ગણાતો હતો. આ વખતે સદ્દગુણ આરામ પામતો હતો, અને દુર્ગુણ જ માત્ર જાગી ઘડી ગણતો હતો. એવે વખતે ભટાણી જાગૃત થઈને ઉઠી, અને ખુણામાં જે તલવાર સંતાડેલી હતી તે પકડી. તે ધીમે ધીમે જે ઠેકાણે દેવળદેવી સુતી હતી ત્યા ગઇ, અને પોતાના ધારેલા કામને પાર પાડવાની તૈયારી તેણે કીધી. ઓરડામાં સઘળાં ભર ઉંઘમાં હતાં, તેઓની ઘોરથી ઘણો મોટો તથા ભયંકર શબ્દ થઈ રહ્યો હતો, દીવો ઝાંખો ઝાંખો બળતો હતો તે પણ જેટલાં પ્રકાશનાં કિરણ તેમાંથી નીકળતાં હતાં, તેઓમાંથી ઘણાં દેવળદેવીના રૂપવંતા વદન ઉપર પડતા હતાં. આ અંધકાર અને અજવાળાની મર્યાદા ઉપર દેવળદેવી સુતી હતી, અને તેની પાસે ભટાણી હાથમાં નાગી તલવાર લઈને ઉભી હતી. આ કેવો દેખાવ ! આ વખતે કોઈ ચતુર ચિતારો હોય તો તેને પોતાના ચિત્રને માટે એક વિચિત્ર પણ ભયાનક વિષય મળી આવે. એક તરફ એક ભરજુવાનીમાં ફુટતી, રૂપાળી, નિર્દોષ સ્ત્રી ભરનિદ્રામાં ગર્ક થયલી હતી; અને બીજી તરફ એક મધ્યમ અવસ્થાની,