પૃષ્ઠ:Karanghelo.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૧પ )

પડીને મરણ પામત. તેઓનાં મનમાં ઉપકાર ઉભરાઈ જવા લાગ્યો, અને આ ગુણનો કાંઈ બદલો વાળવાને તથા પશ્ચાત્તાપના કીડાને કાંઈ નરમ પાડવાને ભટાણીએ દેવળદેવીની સાથે જવાનો નિશ્ચય કીધો, અને તે બીજી દાસીઓના ટોળામાં પોતાનાં છોકરાંને સાથે લઈ સામેલ થઈ. ભટજી પણ તેની સાથે ચાલ્યા. એ પ્રમાણે સવારી ગામ બહાર નીકળી. ગામના લોકો તેએાને વળાવા આવ્યા, તથા પોતાના રાજકુંવરને વાસ્તે તથા જે તેઓની હવે પછી રાણી થનાર હતી તેના ઉપર તેઓએ ઘણે પ્યાર દેખાડ્યો; તેઓના ઉપર ફુલોની વૃષ્ટિ કીધી; અને ઘરડાથી તે બાળક સુધી સઘળાં માણસોએ પોતાના અંત:કરણથી તેઓને આશીર્વાદ દઈને પરમ કૃપાળુ ઈશ્વર પાસે એટલું માગી લીધું કે તેઓને રસ્તે દુષ્ટ મ્લેચ્છનો અથવા બીજા કોઈનો ઉપદ્રવ થાય નહીં, અને તેઓ સુખરૂપ તથા સહીસલામત રાજનગરીમાં જઈ પોંહોંચે. તેઓમાંથી આશરે સો જુવાનો હથિયારબંધ ભીમદેવની સાથે ચા૯યા અને બાકીના પોતપોતાને ઘેર ગયા.

જ્યારે ભીમદેવની સવારી દેવનગરી તરફ જતી હતી તે વખતે અલફખાં શું કરતો હતો તે ઉપર જરા આપણે નજર કરીએ. જે મેદાનમાં આવી અલફખાં અટક્યો ત્યાં જ તેણે તેના લશ્કરને માટે છાવણી કીધી. થોડી વારમાં તે ઠેકાણે એક ગામ બની રહ્યું; નાના પ્રકારના તંબુઓથી તે જગા શોભી રહી હતી. વચ્ચે એક મોટો બજાર મંડાયેલો હતો. લશ્કરને માટે જે જે અવશ્યનું હતું તે સઘળું ત્યાં આવી પહોંચ્યું હતું, અને અગર જો દુકાનદાર તથા બીજા કેટલાએક લોકોને ફાયદો હતો, અને તેથી તેઓ ઘણા આનંદમાં દેખાતા હતા તો પણ મુખ્ય સરદાર, નાના અમલદારો, તથા ઉંચા વર્ગના સીપાઈઓમાં ભારે દિલગીરી પથરાયેલી હતી. અલફખાંના દુ:ખનો તો કાંઈ પાર જ ન હતો. તેનાં કારણો એવાં તો ખુલ્લાં છે કે તે કહેવાની કાંઈ જરૂર નથી. હવે તે બિલકુલ નિરાશ થઈને બેઠો. હવે કાંઈ જ ઈલાજ રહ્યો નહી, અને હવે પછી શું થશે તેની તેને કાંઈ ખબર ન હતી. હવે આગળ જવામાં કાંઈ ફાયદો ન હતો. દેવગઢ એક મંજિલ દૂર રહ્યું હતું; પણ તે શેહેર ઉપર તેની પાસે જેટલાં