પૃષ્ઠ:Karanghelo.pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૧૯ )

આગળથી ચોમાસામાં એક નાની નદી વહે છે એ નદી જ્યાં નીચેના મેદાનમાં પડે છે ત્યાં એક સુંદર પાણીનો ધોધવો થાય છે, અને તેથી દેહેરાં આગળ એક કાચના જેવો નિર્મળ પારદર્શક પડદો થઈ રહે છે. ગુફાના મ્હોં આગળથી તે છેક છેડા સુધી જમીન ઉપર બે પથ્થરની પાટલી સામસામી સીધીને સીધી જડેલી છે તે ઉપર વિદ્યાર્થીઓ, લહીયા, તથા દુકાનદારે બેસે છે, અને વચ્ચે થઈને છેક છેડાની મૂર્તિ આગળ જવાય છે. ઘણું લંબાણ થઈ જાય માટે વધારે બોલતો નથી; પણ એટલાથી જ તે ગુફાઓ કેવી જોવા લાયક છે તેનો તમારે ખ્યાલ કરી લેવો. પણ તે ગમે તેવી સારી હોય તોપણ જોવા શી રીતે જવાય ? અલફખાંની રજા લેવી જોઈએ. હમણાં રજા માગવા કોનાથી જવાય ? અને આવી વખતે આપણે સેર કરવાનો વિચાર કરીએ એ સાંભળીને તે ઘણો ગુસ્સે થશે, અને રજા આપશે નહી એટલું જ નહી, પણ તે આપણને ઘણો સખત ઠપકો દઈ કાઢી મૂકશે. માટે શો વિચાર છે ? સોભાનખાં, ઈબ્રાહીમખાં, તથા બીજા ઘણાએક સીપાઈઓ બોલી ઊઠયા કે આપણે પણ મુસલમાન બચ્ચા છીએ. આપણે લશ્ક૨માં આપણા પાદશાહની ખાતર લડવા આવ્યા માટે તેને કાંઈ આપણે વેચાયા નથી. રજા માગવાની કાંઈ જરૂર નથી. જો આપણે ઘણા જણ સાથે જઈશું તો અલફખાં કે તેનો બાપ શું કરનાર છે ? આપણે સઘળાંને કાંઈ ફાંસી દેવાનો નથી; અને કાઢી મૂકશે તો શી ફિકર છે ? હવે કામ સઘળું થઈ ચૂક્યું છે. આપણે ઈહાં આટલા દહાડા મોટું દુઃખ ભોગવ્યું, તથા ઘણું મુશીબતો વેઠી ત્યારે હવે એક દહાડો સેર કરવાણો નહીં મળે ? હવે જે થવાનું તે થઈ રહ્યું. અલ્લાનું નામ લઈને મોજ કરીએ, ઈહાં ફરીફરીને ક્યાં આવવાના છીએ ? જીવ્યાં કરતાં જોયું ભલું. માટે બસેં ત્રણસેં માણસો એકઠાં થઈ જઈએ; પછી જે થનાર હોય તે થાઓ. રજા લેવાની કંઈ જરૂર નથી. માટે, અત્યારે કોણ કોણ આવવાને રાજી છે તેઓને ચુપકીથી એકઠા કરવા, અને રાત્રે સઘળી તૈયારી કરી રાખી સવાર ન પડે એટલામાં બીજા કોઈ ન જાણે તેમ કુચ કરી ચાલ્યા જવું. એ સિવાય બીજો કાંઈ રસ્તો નથી.