પૃષ્ઠ:Karanghelo.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૨૧ )


મ્હોં તેને જોવું હતું; તે દહાડાથી તેના સંસારનો આરંભ થવાનો હતો; અને તે દહાડો તેના કલ્પેલા સુખી વખતનો પેહેલો જ હતો. માટે તે દહાડે તેને અતિ સુખની સાથે ઘણી જ ચિંતા મનમાં રહે તેમાં કાંઈ આશ્ચર્ય નથી.

દહાડો ધીમે ધીમે ચઢવા લાગ્યો; અને ખરા બપોર થયા એટલે કેટલેક દૂરથી કોઈ રડતું હોય એવો અવાજ સઘળાએાએ સાંભળ્યો. બપોરની વખતે આવો ભયંકર શબ્દ કાને પડ્યો તેથી સઘળાએા ચમકયા દેવળદેવીએ જાણ્યું કે કોઈ માણસ મોટી વિપત્તિમાં આવી પડેલું છે. અને તેને મદદ કરવાની જરૂર છે, માટે સવારી અટકાવી અવાજ જ્યાંથી આવે છે ત્યાં જવું એવી તેની મરજી થઈ; અને તેણે પોતાની સાથેનાં માણસોને અટકાવ્યાં. ભીમદેવને ત્યાં જરા પણ થોભવાની ખુશી ન હતી. રસ્તામાં આગળ શું થશે તેની કાંઈ ખબર ન હતી, માટે જેમ બને તેમ જલદીથી કુચ કરી શેહેરમાં પોંહોંચી જવું એવો તેનો વિચાર હતો, પણ જ્યારે દેવળદેવી અટકી ત્યારે તેને પણ અટકવાની જરૂર પડી અને તેઓ સઘળા તે બાજુ તરફ વળ્યા. અવાજ વધારે વધારે સાફ સંભળાવા લાગ્યો, અને કેટલેક દૂર ગયા પછી તેઓએ એક ઝાડની નીચે એક બઈરીને બેઠેલી જોઈ, તે બુમ પાડીને રડતી હતી. આ બઈરી દુઃખ તથા દરિદ્રતાનું ખરેખરૂં સ્વરૂપ હતું, તેના શરીર ઉપર જે ફાટાં ચિથરાં ઢાંકેલાં હતાં તેમાંથી તેનું આખું શરીર જણાતું હતું, અને તે ચિથરાં એટલાં તો મેલાં હતાં કે અસલ તેઓ કેવા રંગનાં હશે તે હાલ કહેવું અશકય હતું, તથા તેમાં જુ વગેરે બીજાં જીવડાંઓએ વાસ કીધો હતો. તેના મ્હોં ઉપરથી દેખાતું હતું કે તે કાંઈ મહાભારત દુ:ખમાં આવી પડેલી છે. તે એવી તો બદશિકલ તથા બીહામણી હતી કે તેને જોઈને ધોળે દિવસે પણ બીહીક લાગ્યા વિના રહે નહી. દેવળદેવીનો ઘોડો પાસે આવતાં જ તે એકદમ ઉઠી, અને લગામ પકડી તેને પાછો ઘસડવા લાગી. ઘોડો તો ઘણા વેગે દોડ્યો, અને તેની સાથે પેલી બઈરી પણ દોડતી ચાલી. સઘળા સીપાઈએ તો જડભરત થઈ ઉભા રહ્યા.