પૃષ્ઠ:Karanghelo.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૨૨ )

આ કોઈ પ્રેત, ડાકણ, કે શાકણી હશે, અને તે દેવળદેવીને ઘસડી જઈ કોઈ નદીમાં ડુબાવી દેશે, અથવા બીજી રીતે તેનો પ્રાણ લેશે એ વિષે તેઓને કાંઈ શક રહ્યો નહી, અને તેની આગળ આપણું કાંઈ ચાલવાનું નથી એવી ખાતરી થવાથી તેઓએ તેની પાછળ કાંઈ દોડ કીધી નહી, પણ મુગાં મુગાં જોયાં કીધું, દેવળદેવીનો ઘોડો જયારે ઘણે દૂર નીકળી ગયો, ત્યારે ભીમદેવે હિંમ્મત પકડી પોતાનો ઘોડો પાછળ ફેંક્યો, અને તે એવો તો વિજળીના વેગે ચાલ્યો કે તે દેવળદેવીને પકડી પાડશે એમાં કાંઈ શક રહ્યો નહી. ભીમદેવની પાછળ કેટલાએક સવાર પણ ગયા. ભીમદેવે દેવળદેવીનો ઘોડો આઘે જોયો તેની પાછળ તે ઘણા જોરથી ઘસ્યો. આશરે એક કલાક સુધી દોડ કીધા પછી તેઓ પાસે પાસે આવી ગયા તે વખતે તે રાંડને જોઈને ભીમદેવને એટલો ક્રોધ ચઢ્યો કે પોતાની તલવાર કાઢીને તેને મારી, પણ હવામાં તલવાર મારવી અને તેને મારવી બરોબર, ઘા પડ્યો તો ખરો, પણ હવામાં બઈરી તો એક ભડકું થઈને ઉડી ગઈ, અને ત્યાંથી બે કદમને છેટે આવી પાછી ઉભી રહી, ભીમદેવ રજપૂત બચ્ચો હતો તોપણ આ તમાશો જોઈને તેનાં ગાત્ર શિથિલ થયાં, તેના મનમાં ઘણી દેહેશત ભરાઈ પણ હિંમત કદી હારવી નહીં એ રજપૂતનો પેહેલો તથા મુખ્ય ધર્મ; માટે પાછો સાવધ થઈ તેણે મોટે અવાજે પૂછ્યું – “તું કોણ છે ? તારે દેવળરાણીની સાથે શું કામ છે? તું તને ક્યાં લઈ જતી હતી ? અને તેને શું કરવાનો તારો વિચાર હતો?” બઈરી છેક બદલાઈ ગયેલી હતી, ભડકું થઈને તે ઉડી ગઈ અને પાછી આવી ત્યારે તેમાં બિલકુલ ફેરફાર થઈ ગયેલો હતો. હમણાં તો તે દેવાંગના જેવી રૂપવાળી દેખાતી હતી. તેના મ્હોંની કાન્તિ ઘણી જ સુન્દર હતી. તેણે જરીનાં વસ્ત્ર પહેરેલાં હતાં, તથા તેના અંગ ઉપર ઘણાં અમૂલ્ય તથા શોભાયમાન આભૂષણ હતાં. તેના ચહેરા ઉપર ઉદાસી જણાતી હતી, તથા તેની આંખ દયાથી ભરેલી હતી. ભીમદેવના સવાલનો જવાબ દેવા અગાઉ તેણે ઘણા પ્રેમથી દેવળદેવીના સામુ જોયું, અને જોતાં જ તેની કમળ જેવી આંખમાંથી આંસુઓની બે ધાર ચાલી. તેનું હૈયું એવું તે ભરાઈ આવ્યું કે તેનાથી