પૃષ્ઠ:Karanghelo.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
(૨૬)

યથાયોગ્ય શિક્ષા કરતાં, તથા સંપૂર્ણ ન્યાયથી રાજ્ય ચલાવતાં શિખવું, અને તમારું મન ઘણું ઉદાર રાખવું.' પછી તે છોકરાઓને નિશાળે ઉત્કૃષ્ટ શિક્ષકોના હાથ નીચે મોકલ્યા. ત્યાં તેઓ ખરેખર કીર્તિવંત થયા.”

રાજાએ ઉપલી વાતના પાછલા ભાગમાં ઉપરાઉપરી બગાસાં ખાવા માંડ્યાં. તે વખતે શરદ મહિનાનો આકરો તડકો હતો તેથી ગરમીની અશક્ત કરનારી અસર તેના શરીર ઉપર લાગી, અને રોજની ટેવ પણ મદદે આવી તેથી ભર્તૃહરી તથા વિક્રમાદિત્ય બંને કીર્તિવંત થયા તે તેણે સાંભળ્યું નહીં. ભાટે જ્યારે વાત પુરી કરી તેણે રાજાના મ્હોં સામું જોયું ત્યારે તેની વાત ધ્યાન આપી સાંભળવાને બદલે તેને મીઠી નિદ્રાને વશ થયલો દીઠો. તે જોઈ ભાટ તથા બ્રાહ્મણ ઓરડામાંથી બહાર ગયા, અને રાજાને સુખેથી ઉંઘ કાઢવા દીધી.

જ્યારે રાજા નિદ્રાદેવીને વશ થઈ આ લોક તથા પરલોકને વિસરી જઈ મૃત્યુથી ઉતરતી અવસ્થામાં પડેલો હતો તે વખતે કિલ્લા આગળ તથા શહેરમાં ભારે ગડબડાટ થઈ રહી હતી. લોકો ઘણા ઊમંગથી સારાંસારાં લુગડાં પહેરી, નવી રંગેલી પાઘડીમાં જુવારા ખેાસી, તથા નવા જોડા પહેરી કેટલાએક એકલા તથા કેટલાએક નાનાં નાનાં છોકરાંને સાથે તેડી સ્વારી જવાના રસ્તા ઉપર કોઈ ઓટલા અથવા દુકાન ઉપર બેસતા હતા. કેટલાએક રજપૂત તથા બીજા લશ્કરી લોકો હથિયાર કમરે બાંધીને ઘણા ડોળથી ફરતા હતા. ભીલ, કાઠી, કોળી વિગેરે જંગલી લોકો તરત ખસી જઈને રસ્તે આપતા. ઢેડા તથા તેથી હલકી જાતિના લોકો “ખસો બાપજી” એ પ્રમાણે બુમો પાડી ધીમે ધીમે રસ્તો કરી જતા, અને લોકોને તેઓને વાસ્તે ખસવું પડતું તે વખતે તેઓને ગાળ દીધા વિના રહેતા નહી. ઘણી વાર કોઈ ઘોડો અથવા હાથી ભડકતો ત્યારે લોકોમાં દોડાદોડી થતી, અને છોકરાં ચીસાચીસ પાડતાં. મોટા કામદારોનાં બઈરા સુખાસનમાં બેસી તેમના ધણીનાં સગાં, મિત્ર, અથવા ઓળખીતાનાં ઘર હોય ત્યાં જતાં. ગરીબ તથા વચલા વાંધાનાં લોકોની બાયડીઓ ખુલી રીતે ચાલતી જતી, પણ તેઓને રસ્તામાં કોઈ ઉપદ્રવ કરશે એવી કોઈને દહેશત ન હતી.