પૃષ્ઠ:Karanghelo.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૨૭ )


તુરકડાઓ ! તમે કોને વાસ્તે લડી મરો છો ? તમે આને એળખો છો ? એ તો દેવળદેવી, શંકળદેવની સાથે પરણવાની છે. પીટ્યાઓ ! તમારી લડાઈ બંધ રાખો, અને રાણીને તમારા સરદાર પાસે લઈ જાઓ. દેવળદેવી એ નામ સાંભળતાં જ સઘળાઓએ હથિયાર નાંખી દીધાં, અને આટલી મુદત થયાં જેને માટે લડતા હતા તે હાથમાં આવી એવું જાણી ઘણા રાજી થઈને આ ખુશ ખબર અલફખાંને કેહેવાને એક કાસદ મોકલ્યો. તેઓ પણ દેવળદેવીને એક ઘોડાપર બેસાડી મોટી છાવણી તરફ તાકીદથી લઈ ચાલ્યા. અલફખાંને આ સમાચાર સાંભળીને તથા થોડી વાર પછી દેવળદેવીને નજરે જોઈને જે હર્ષ થયે તેનું વર્ણન થઈ શકતું નથી. તે વખતે તેણે પરમેશ્વરના શુકરાના કીધા; પોતાની પાસે જેટલા પૈસા હતા તેટલા તે માણસોમાં વહેંચી દીધા, અને ત્યાંથી છાવણી ઉઠાવીને દેવળદેવીને સાથે લઈ ગુજરાત જવાને નીકળ્યો.



પ્રકરણ ૧૬ મું.

જીજુવાડાના પાટડી ગામમાં એક મોટો મેહેલ બાંધેલો હતો. તેની એક બારીએ કોઈ સ્ત્રીપુરૂષ બેઠેલાં હતાં. તેઓ બંને પુખ્ત ઉમરે પોંહોંચેલા હતા. તેમાંથી પુરુષનું મ્હોડું ચિન્તાતુર દેખાતું હતું. જ્યારથી અણહિલપુર મુસલમાન લોકોના હાથમાં આવ્યું ત્યારથી ગુજરાતનો પાદશાહી સુબો આસપાસના રજપૂત તથા બીજા હિન્દુ રાજા, ઠાકોર, તથા ગરાસીયાને તાબે કરી તેઓનાં રાજ્ય જપ્ત કરતો હતો, તથા તેઓ ઉપર ભારે ખંડણી બેસાડવાને ચડાઈઓ કરતો હતો. એ લડાઈઓમાં કેટલાંએક નાનાં રાજ્યો ડુબી ગયાં; કેટલાએક રાજાએાએ ખંડણી આપવી કબુલ કીધી; પણ હજી કેટલાએક પોતાના શૂરાતનથી કિલ્લાની મજબુતી વડે તથા લશ્કરના જોરે કરીને એ સુબાની સામે ટકી રહ્યા હતા. પાટડીનો ઠાકોર જે તે મેહેલની બારીએ બેઠો હતો તેણે પણ અત્યાર સુધી પોતાનો