પૃષ્ઠ:Karanghelo.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૨૮ )

બચાવ ઘણી બહાદૂરીથી કીધો હતો પણ હમેશાં સુધી એ પ્રમાણે તેનાથી લડાઈ થઈ શકશે નહી એ બાબત તેને ઘણી ચિન્તા થતી, અને તેથી જ તે મહાભારત ફિકરમાં પડ્યો હતો. તેની સ્ત્રી પણ તેવી જ બહાદૂર હતી, અને તે પોતાના સ્વામીની હિંમત લેશ માત્ર પણ નરમ પડવા દેતી ન હતી. જે ચમત્કારિક રીતે પાટડી તથા બીજાં ગામો કરણ વાઘેલા પાસેથી તેને મળ્યાં હતાં તેમાં કાંઈ દેવતાઈ અંશ હતો. એક રાતમાં બે હજાર ગામને તોરણ કોઈ પણ માણસથી એકલી પોતાની જ શક્તિવડે બંધાઈ શકે નહી, માટે જે અદ્દભુત શક્તિથી એટલાં બધાં ગામો તેને મળ્યાં તે જ શક્તિ તેની તથા તેના વંશની પાસે કાયમ રહેશે, એ પ્રમાણે તેની સ્ત્રી તેને ધીરજ આપતી હતી. એ પ્રમાણે જ્યારે તે બે વાતચિત કરતાં હતાં તે વખતે બહાર ચોગાનમાં કાંઈ ગડબડ થઈ, અને તેઓ બહાર જુવે છે તો એક હાથી છુટો પડી મદોન્મત્ત થઈ, દોડતો તેમણે જોયો, આ વખતે બારી આગળના ચોગાનમાં તેઓના શેડો, માંગુ, શેકડો, એ નામના ત્રણ છોકરા તથા ઉમાદેવી નામની છોકરી રમતાં હતાં, મસ્ત થયેલો હાથી રસ્તામાં જે વસ્તુઓ આવતી તે સઘળીને છુંદતો છુંદતો તે છોકરાં પાસે આવ્યો, અને એકને સુંઢમાં પકડી ઉછાળવાની તથા બીજાને પગતળે ચગદી નાંખવાની તૈયારીમાં હતો, એટલામાં તુરત તે સ્ત્રીએ, એટલે તેઓની માએ, બારીએથી જ પોતાનો એક હાથ એટલો તો લાંબો કીધો કે તેઓ સઘળાંને ઝાલી લીધાં અને મોતના સપાટામાંથી તેઓને તુરત ઉગારી દીધાં. હરપાળ (તે પુરૂષ હરપાળ મકવાણો કરણ રાજાનો માશીનો છોકરો તથા બાબરા ભૂતનો જીતનાર હતો, એ વાંચનારાઓએ જાણી લીધું હશે ) આ તેની સ્ત્રીનું દેવતાઈ પરાક્રમ જોઈને ઘણો જ આશ્ચર્ય તથા આનંદ પામ્યો, અને આ વાતનું હમેશાં સ્મરણ રહેવાને તે ત્રણે છોકરાઓનું નામ ઝાલા (પકડયા) પાડ્યું. એ નામ હજી સુધી તેના વંશના ઝાલા રજપૂતોએ રાખ્યું છે.

જ્યારે તે ગાડા હાથીને ચોગાનમાં નુકસાન કરવાનું કાંઈ મળ્યું નહી ત્યારે તે બહાર દોડ્યો, અને તે રસ્તે એક ગાડું જતું હતું તેને પોતાની સુંઢના એક સપાટાથી ઉડાવી દીધું. ગાડું પડતાં જ ભાંગી