પૃષ્ઠ:Karanghelo.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૩૦ )

દેવયોગે આવી મળ્યો તે જોઈને તેને પગથી માથા સુધી ક્રોધની જ્વાળા ચઢી. તે ઘણો ચીઢીને પગ ઠોકી ઘણા આવેશથી બોલ્યોઃ- “અરે દુષ્ટ ! અરે ચંડાળ ! અરે રાજદ્રોહી ! અરે મહા પાપી ! તેં જે કામ કીધું તેનાં ફળ તેં હવે ચાખ્યાં ! અરે નાગરા ! છેક નફટ નિર્લજ થઈને તારાં અધમ તથા કપટનાં કર્મો તું મારી આગળ કહેવામાં પ્રતિષ્ઠા માને છે ? ધિ:ક તારી દેહને ? ધુળ પડી તારા નામ ઉપર? તું હિંદુ જન્મી તારી જન્મભૂમિ પરદેશી પરધર્મના મ્લેચ્છ દુષ્ટ લેાકેાને તેં વેચી ! અરે શરમ છે તને ! તું તારી માના ગર્ભમાં જ કાં ન મુઓ ? તારો ગર્ભપાત કાં ન થયો ! અથવા તું તારી કુમળી વયમાં શા માટે મરણ ન પામ્યો ! તેં તારી સાત પહેડીનું નામ ડુબાવ્યું ! તેં તારી જાતને એબ લગાડી, તે હિન્દુના નામને શરમ પોંહોંચાડી, તું પથ્થર કાં ન પડ્યો !” એ પ્રમાણે ઘણા આવેશમાં હરપાળે તેના ઉપર ગાળોનો વરસાદ વરસાવ્યો, અને એથી પણ વધારે અપશબ્દો તે વાપરત, અથવા કદાપિ તે તેના ઉપર હાથ પણ ચલાવત, પણ એટલામાં તે ઘાયલ માણસ વચમાં બોલી ઉઠ્યોઃ–

“ખમા બાપજી ! ખમા, જેટલી મને ગાળ દીધી, તથા એથી પણ વધારે દેશો, એ સર્વને હું પાત્ર થયો છું, જેટલા આરોપ તમે મારા ઉપર મૂક્યા છે તેટલા મેં કીધા છે, તથા જે જે બદકામોનો કરનાર તમે મને કહ્યો તેટલાં મારાથી થયાં છે. હું ખરેખર દુષ્ટ, પાપી, ચંડાળ છું. હું વધારે વાર આ લોકમાં જીવવાને લાયક નથી. અને પરલોકમાં પણ ઘણી માઠી સ્થિતિને હું નક્કી પામીશ; પણ હવે હું શું કરૂં ? ભાવિ વાત બની છે. જે થનાર તે થઈ છે, હવે તે ન થયું એમ થનાર નથી પણ તે વખતની મારી સ્થિતિ ઉપર પણ તમારે વિચાર કરવો જોઈએ. મારા ઉપર કેવો ને કેટલો ગજબ પડ્યો હતો તે ધ્યાનમા લેવું જોઈએ. તે વખતે વેરે મને ઉશ્કેર્યો, વેરે મને ગોદા માર્યા, અને આ સઘળાં કામ તે દુષ્ટ વિકારે મારી પાસે કરાવ્યાં. પણ મેં જેવું કીધું છે તેવું જ મારી અવસ્થામાં આવી પડવા છતાં ન કરે એવો કોણ છે? જવલ્લે જ કોઈ નીકળે. પણ મેં મોટી ભૂલ કીધી એ હું કબુલ કરું છું મેં જાતે કરણ ઉપર વેર લીધું હોત તો હું મારી