પૃષ્ઠ:Karanghelo.pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૩૨ )

ઘાટ ઉપર જઈ ઉભાં રહ્યાં. તે વખતે આશ્વિન મહીનાની ચાંદણી રાત ખીલી રહી હતી, અને ત્યાં એક માણસ ધીમે ધીમે અને નીચું માથું રાખીને ફરતો હતો; તે વખતે ચાંદરણું રૂપાના પતરાં સરખું પડ્યું હતું; કુંડના સ્થિર પાણી ઉપર અતિશય ચળકાટ પડતો; અને તેમાં બાજુએ પગથીયાં ઉપરનાં નાનાં મોટાં દેહેરાંની છાયા પડતી તેથી તે કુંડ ઘણો રળિયામણો દેખાતો હતો. કુંડ ઉપર એક મહાદેવનું મોટું દેવાલય હતું તેને બે રંગમંડપ હતા; એક દેહેરા સાથે વળગેલો તથા બીજો છુટો હતો, આજુબાજુએ કીર્તિસ્તંભ હતા. આખા દેહેરાની લંબાઈ પોણોસો ગજ તથા પહોળાઈ પચીસ ગજ હતી. અને તેથી ચારગણી લંબાઈ પહોળાઈનો કુંડ હતો.

અગર જો તે વખતે પેહેલી રાત હતી તોપણ સઘળું ચુપાચુપ હતું. પવન પણ પડી ગયલો હતો, અને ઝાડનાં પાતરાંનો જરા પણ ખડખડાટ સંભળાતો ન હતો. ધર્મશાળામાં એક વેરાગી મોટી ધુણી સળગાવીને બેઠો હતો, અને તેની પાસે એક બ્રાહ્મણ હતો, તે બંને ગાંજો ફુંકવાની તૈયારીમાં પડેલા હતા. આ એકાંત સ્થળે જે માણસને તેઓએ ફરતો જોયો તેનો દેખાવ જોઈ લેવા સરખો હતો. તેના માથાના નિમાળા સફેદ બરફના જેવા થઈ ગયા હતા. તેની આંખ ખાડામાં પેસી ગયલી હતી, તથા મુએલા માણસ જેવી થઈ ગયલી હતી. તેમાં કાંઈ પણ તેજ જણાતું ન હતું, તથા તેમાં બુદ્ધિની કાંઈ પણ નિશાની માલમ પડતી ન હતી. તેના ગાલ પણ બેસી ગયલા હતા. આખા ચહેરાનું લોહી પણ ઉડી ગયલું હતું, તેથી તે ફિક્કા રંગનો દેખાતો હતો. આખું શરીર ગળાઈ ગયલું હતું, તેથી તેને વખતે કોઈ નરમ હૈયાનો માણસ જોય તો તેને બીહીક લાગ્યા વગર રહે નહી તે આ લોકનો માણસ હોય એમ લાગતું ન હતું. તે કોઈ કબરમાંથી બહાર નીકળેલો હોય એમ જણાતું હતું. જેવું તેનું શરીર તેવું જ તેનું મન હતું. તેનું માથું ફરી ગયેલું હતું. તેની અક્કલ પોતાનું કામ બરોબર કરી શકતી હોય એમ જણાતું ન હતું. તેની શિકલ તથા ચાલવાની રીત ઉપરથી એવું સહેજે અનુમાન થઈ શકતું હતું કે તે માણસ અસલથી આવો ન હતો. તેણે ઘણો સારો વખત કોઈ વાર