પૃષ્ઠ:Karanghelo.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૭ )

ઓટલા તથા બારીઓ લોકોથી ભરાઈ ગયાં હતાં. બાકીના લોકો કેટલાએક છાપરા ઉપર અને કેટલાએક ઝાડ ઉપર ચઢીને બેઠા હતા; અને ઘણાએક રસ્તાની બાજુએ બે હાર કરી ઉભા રહ્યા હતા. દુકાનદારોએ દુકાન ધોળાવી, રંગાવી, તે ઉપર તોરણ બાંધી સઘળો માલ બહાર કાઢેલો હતો, તેમ જ રહેવાનાં ઘરો પણ ઘણાંએક રંગાવેલાં તથા ઘણું કરીને સઘળાં ધોળાવેલાં હતાં. એ પ્રમાણે શહેરમાં સ્વારી જોવાની તૈયારીમાં લોકો બેઠા તથા ઉભા હતા. કિલ્લા આગળ કાઠીયાવાડી, સિંધી, કચ્છી, તથા કાબુલી શણગારેલા અને ઘણા ઉમદા જીનવાળા કેટલાએક ઘેાડા ખંખારતા, કેટલાએક નાચતા, કેટલાએક ભોંય ઉપર પગ ઠોકતા તથા કેટલાએક કાવો ફર્યા કરતા હતા. હાથીઓથી ઉભા રહેવાતું ન હોય તેમ એક જગાથી બીજી જગાએ જતા, કેટલાએક તેના અતિ બળથી મસ્ત થઈને ડોલતા, તથા કેટલાએક સુંઢ હલાવી ઉંચી કરી આસપાસના લોકોને નસાડતા હતા. સુખાસન એક કોરે મુકીને ભોઈ લોકો આણીગમ પેલીગમ મોજ કરતા ફરતા હતા. સ્વાર તથા પાયદળ સિપાઈ સઘળા હથિયારબંધ તૈયાર થઈ રહ્યા હતા, રાજા કરણે સવારે જે લુગડાં ઘરેણાં પહેર્યા હતાં તેનાં તે જ હમણાં પણ તેના શરીર ઉપર હતાં. વિશેષ એટલું જ કે બહાર કોઈની નજર ના લાગે માટે હાથે કેટલાંએક મંત્રેલાં માદળિયાં બાંધેલાં હતાં. રાજાનો હાથી ઘણો જ પુષ્ટ તથા બીજા સૌ કરતાં ઉંચાઇમાં વધારે હતો, તેના ઉપર સોનેરી ઝુલ નાંખી હતી. તેના પગમાં સોનાનાં કડાં ઘાલેલાં હતાં. તેના કુંભસ્થળ ઉપર મોતીની માળાઓ બાંધેલી હતી. હાથી ઉપરનો મેઘાડંબર તમામ રૂપાનો સોને રસેલો હતો, તથા તેમાં કેટલેએક ઠેકાણે રત્નો જડેલાં હતાં. રાજાની પાછળ માધવ પ્રધાનજી યંમર લઈને બેઠેલા હતા, અને તેનો પોશાક તથા ઘરેણાં સવારના જેવાં જ હતાં. સ્વારીની આગળ નોબત તથા ડંકા વગાડનારા ઉંટ અથવા હાથી ઉપર બેઠેલા હતા. નોબતની આસપાસની ઝુલ કીનારીદાર લુગડાંની હતી, અને તેના વગાડનાર પણ સઘળા બાંકા બનીને બેઠેલા હતા. તે પછી સ્વાર તથા સિપાઈઓ આવ્યા પછી શહેરનાં