પૃષ્ઠ:Karanghelo.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૩૪ )

પણ તે વખતથી તેની અક્કલને નુકસાન લાગ્યું, તે ઉદાસીની પેઠે આખો દહાડો બેસી રહેતો, અને તે વખતથી તે કોઈ દહાડો જરા પણ હસ્યો નહી. આવી અવસ્થામાં તે કેટલીએક મુદત સુધી દેવગઢમાં રહ્યો; પણ એટલામાં મલેક કાફુરનું લશ્કર શહેર આગળ આવ્યું; અને તેને ઘેરો ઘાલ્યો. રામદેવ શંકળદેવને કિલ્લામાં રાખી પોતે ઘણાંએક નજરાણાં લેઈ મલેક કાફુર પાસે ગયો, અને તેને શરણ થયો. પછી રામદેવ કાફુરની સાથે દિલ્હી ગયો. ત્યાં તેને રાયારાયનો ઈલ્કાબ મળ્યો. દિલ્હીના પાદશાહે તેને તેનું રાજ્ય પાછું સોંપ્યું એટલું જ નહી, પણ તેમાં વધારો કરી આપ્યો. તેને નવસારી પરગણું ઈનામ દાખલ આપ્યું, અને તેને ઘેર જવાને લાખ તનખા ખરચને માટે આપ્યા.

એ સઘળો બનાવ જયારે બન્યો ત્યારે કરણ ગુસ્સે થઈને તથા રામદેવ ઉપર કંટાળી જઈને દેવગઢથી ચુપકીથી નાસી ગયો, અને પાંચ વર્ષ સુધી આખા ગુજરાતમાં જુદો જુદો વેશ લઈને ભટક્યો. છેલ્લે તે મોઢેરા ગામમાં આવી પહોંચ્યોં, અને ત્યાંના દેહેરાની એક ધર્મશાળામાં તેણે ઉતારો કીધો.

માધવ તથા તેની સ્ત્રી ઉભાં ઉભાં પોતાના ગયલા વખતની વાત કરતાં હતાં, તથા માણસની જીન્દગીમાં કેટલા બધા ફેરફાર થાય છે તે ઉપર વિચાર કરતાં હતાં. વાતમાં ને વાતમાં કરણનો વિષય નીકળ્યો ત્યારે એ દુર્ભાગ્ય રાજાને વાસ્તે તેઓને ઘણી દયા આવી. “અરે અરે ! જો કરણ રાજા આ વખતે જીવતા હોય અને તેના સાંભળવામાં આવે કે તેની દેવળદેવી તેને વિસરી જઈ પોતાની મા સાથે ઘણા આનંદમાં રહે છે, તથા તેણે પાદશાહના શાહજાદા ખિઝરખાં સાથે લગ્ન કીધું છે તો તેને કેટલું બધું દુ:ખ ઉપજે ? પણ તે બીચારો આ પૃથ્વી ઉપર જ કદાપિ નહી હોય, જ્યાં હોય ત્યાં તેનો સ્વર્ગવાસ થજો.” એ પ્રમાણે માધવ મોટેથી બોલ્યો, તે સઘળા શબ્દ કરણે સ્પષ્ટ સાંભળી લીધા. આ દુ:ખદાયક વાત કરણને કાને પડતાં જ તે બેશુદ્ધ થઈ ભોંય ઉપર પડ્યો, પડવાનો અવાજ સાંભળી માધવ તેની તરફ દોડ્યો, અને જ્યારે તેણે પડેલા માણસનું મ્હોંડું