પૃષ્ઠ:Karanghelo.pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૩૬ )

નરમ પડે તેની અગાઉ તે કુંડમાં ભુસકો મારી ઝંપલાવી પડ્યો. પાણીમાં એક મોટો ધબાકો થયો તે રાતની વખતે અને આસપાસ બંધિયાર જગા એટલે તેને પડઘા પડવાથી અવાજ ઘણો મોટો સંભળાયો.

પાસેની ધર્મશાળામાં જે વેરાગી તથા બ્રાહ્મણ ગાંજો ફૂંકતા હતા તેઓ બંનેએ આ ધબાકો સાંભળ્યો, અને તે સાંભળીને તેઓ ચમક્યા. વેરાગી ચલમ પીતાં પીતાં અટક્યો, તે તેને કડવું ઝેર જેવું લાગ્યું તે ગુસ્સામાં આવી બોલી ઉઠયો:–“આવી રાતની વખતે કોણ અભાગિયો પાણીમાં પડ્યો?” કોઈ કુતરો અથવા બીજું કોઇ જનાવર હશે. આ વખતે માણસ તો કોઈ નહીં હોય. ગમે તે હો તો પણ તેણે મારી ચલમનો તાલ ખોવડાવ્યો હવે નિશો ચઢવાનો નથી. આ ઢોરે બધો દહાડો ખરાબ કીધો. આજે સવારે કોઈ ચંડાળનું મ્હોં જોયું હશે કે અમલ કરવામાં આવો એક અટકાવ થયો. એને મરવા દો. હું એને બચાવવા જવાનો નથી.” એવું કહી તેણે પછી ચલમ ભરવા માંડી. પણ જે બ્રાહ્મણ તેની સાથે હતો તે વધારે કોમળ અન્તઃકરણવાળો હતો. તેણે દુ:ખનો સ્વાદ ચાખ્યો હતો. જે દહાડાથી તેની સ્ત્રી દેવળદેવીની સાથે તુરકડાઓના હાથમાં ગઈ તે દહાડેથી તેને ચેહેન પડતું ન હતું. તેણે ઘણોક પ્રવાસ કીધો હતો, અને છેલ્લે થાકી આ ઠેકાણે આવી રહ્યો હતો. તેને પાક્કી ખાતરી થઇ કે કોઈ માણસ પડ્યો હશે અને પોતે બેસી રહે અને એક મનુષ્ય દેહનો નાશ થાય એ ઘોર પાપ પોતાને માથે ન આવે માટે તે ચલમને પડતી મૂકીને ઉઠ્યો, અને કુંડ આગળ ગયો, પાણીમાં જુવે છે તે કોઈ માણસને તરફડીયાં મારતો તેણે જોયો, તેનું માથું માત્ર ઉઘાડું દેખાતું હતું. કરણ પડતાંને વાર નીચે ગયો, પણ તે તુરત ઉપર તરી આવ્યો. તે વખતે સ્વરક્ષણની સ્વાભાવિક પ્રેરણાએ જોર પકડ્યું તે વખતે તે પોતાનો જીવ બચાવવાની આતુરતામાં પોતાનું સઘળું દુઃખ ભુલી ગયો. તેણે પછાડા મારવા માંડ્યા, અને એ પ્રમાણે જોર કરી તે કટલીએક વાર સુધી પાણી ઉપર રહ્યો, પણ તેનું જોર ધીમે ધીમે કમ થતું ગયું; તેના પગમાં ગોટલા ભરાઇ