પૃષ્ઠ:Karanghelo.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૩૯ )

નહી ત્યારે તેને પગે દોરી બાંધી અને તેને ઉંધે માથે લટકાવ્યો. એમ કરવાથી પણ કેટલુંએક પાણી તેના શરીરમાંથી નીકળી ગયું. કલાકેક સુધી તેને એ પ્રમાણે ટાંગી રાખ્યા પછી તેને નીચે ઉતાર્યો, અને એક ધાબળીમાં લપેટી ધુણી આગળ રાખમાં સુવાડ્યો.

થોડીએક વારમાં ગરમીની અસર તેના શરીરમાં લાગી. તેણે ધીમે ધીમે શરીર હલાવવા માંડ્યું, અને એમ કરતાં કરતાં આંખ ઉઘાડી, અને છેલ્લી વારે તેને બોલવાનું ભાન આવ્યું.આ પ્રમાણે કરણ જીવતો થયો, તે જોઈને વેરાગી તથા બ્રાહ્મણને ઘણી જ ખુશી થઈ. તેઓની સઘળી દેહેશત મટી ગઈ માટે બાવાજી આનંદભેર બોલ્યાઃ “કેમ બચ્ચા ! તું કોણ છે ? શી જાતનો છે ? શો ધંધો કરે છે? શા સારૂ આ ગામમાં આવ્યો છે? અને કુંડમાં એકાએક પડી ગયો કે જાણી જોઈને ? અને જાણી જોઈને પડ્યો તો તારા ઉપર શું દુ:ખ આવી પડ્યું છે? શું શરીરથી કંટાળી ગયો છે? શું છોકરાં તરફથી દુઃખ છે ? શું બઈરી કોઈ જોડે નીકળી ગઈ ?કે શું વ્યભિચારિણી નીકળી ? કે તારી સાથે હમેશાં લડે છે તેથી કાયર થયો ? શું કાંઈ ધંધામાં ખોટ આવી ? શું પૈસા ચોરાઈ ગયા?” એ પ્રમાણે વેરાગીએ તે ઉપરા ઉપરી કરણને પ્રશ્ન પૂછવા માંડ્યા. અને તેનો પાર ઘણો મોડો આવત, પણ કરણ ગભરાયો. આ બધી વાત એકદમ શી રીતે યાદ રહેશે, તથા તેના જવાબ શી રીતે અપાશે એ વિષે તેને ફિકર થઈ, તેથી તે વચમાં બોલી ઉઠ્યો, અને બાવાને બોલતાં અટકાવ્યા. આ સઘળા સવાલોના પૃથક પૃથક્ જવાબ તો તેણે દીધા નહીં; પણ તેણે પોતાની સઘળી વાત અથથી તે ઈતિ સુધી કહી સંભળાવી પોતાનું ખરૂં નામ તથા અવસ્થા તેણે આટલી વાર તો છુપાવી રાખી હતી; પણ હમણાં તે તેનાથી છાનું રખાયું નહી. તેના મ્હોંમાંથી સઘળી સાચી વાત નીકળી ગઈ. જ્યારે કરણ સઘળું કહી રહ્યો, ત્યારે વેરાગીને તેના ઉપર ઘણી દયા આવી, અને તેનો ઉદ્ધાર કરવાને અર્થે કાંઈ શિખામણ આપવા લાગ્યો. “આ જગત સઘળું મિથ્યા છે સુખ દુઃખ વગેરે આપણા ક્ષણભંગુર શરીરને સંબંધે માની લેવાનાં