પૃષ્ઠ:Karanghelo.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૪૦ )

છે. આત્મા અમર છે, તેને સુખ પણ નથી તેમ દુ:ખ પણ નથી માટે જ્યાંસુધી શરીર ટકે ત્યાં સુધી ઈશ્વર તરફથી જેટલું આવી પડે તેટલું શાંત મનથી સહન કરવું.”

કરણનો અભિપ્રાય તે સંબંધી જુદો જ હતો તોપણ તેના ઉપર જે દુઃખ વિત્યું હતું તે ઉપરથી દેવમાં તેની શ્રદ્ધા દૃઢ બેઠી હતી તેથી નશીબને આધીન થઈ તે વેરાગીના આશ્રમમાં રહ્યો, અને તેની વાતો હમેશાં તેણે સાંભળ્યાં કીધી, પણ તેથી તેના મન પર કાંઈ પણ અસર થઇ નહીં, વાઘને પાંજરામાં ગોંધ્યો હોય ને તે જેમ કંઈક મુદ્દત સુધી નરમ પડેલો દેખાય છે, પણ તેને તક મળતાં, અને પાંજરામાંથી છૂટો થતાં જ તેનો જાતિસ્વભાવ જણાઈ આવે છે, તેમ કરણ પણ ધર્મશાળામાં નિરાંતે રહેતો હતો એમ બહારથી દેખાતું હતું, પણ તેના મનમાં કાંઈ સ્થિરતા ન હતી. તે તક જોતો હતો. તેને એક ઘડી પણ ચેન પડતું નહોતું, તેનું ક્ષત્રીનું લોહી શરીરમાં ઉકળ્યાં જ કરતું હતું. તેનો હાથ તલવાર પકડવાને ઘણો આતુર હતો. તેના શત્રુ મુસલમાન લોકોના ઉપર વેર લેવાને તે ટાંપી રહ્યો હતો. તેને રાત્રે જરા પણ નિદ્રા આવતી ન હતી. તે ઉંઘમાંથી વખતે વખતે ચમકી ઉઠતો હતો, અને “લાવ મારી તલવાર” અથવા “આ દુષ્ટ લોકેાને કાપી કકડા કરી નાંખો” એવી તરેહની ચીસ પાડી ઉઠતો. તેને સ્વપ્નાં પણ એ જ બાબતનાં આવતાં, અને તેમાં તે મુસલમાન સાથે યુદ્ધ કરતો હતો. જ્યારે તેના મનની સ્થિતિ એવી હતી, ત્યારે તે ધર્મશાળામાં આટલી મુદત સુધી પડી રહ્યો, એ જ આશ્ચર્યકારક હતું. પણ સવારે જ્યારે વેરાગી ઉઠયો અને રોજના ધારા પ્રમાણે કરણની સાથે વાત કરવાને તેને શોધવા લાગ્યો, ત્યારે તેને માલુમ પડ્યું કે કરણ ત્યાંથી જતો રહ્યો હતો.

આ વખતે આખા હિંદુસ્થાનના રાજાઓ અલાઉદ્દીનનું નામ સાંભળીને થરથર કાપતા હતા. તેણે તથા તેના સરદારોએ સઘળે એવો તો ત્રાસ બેસાડ્યો હતો કે પાદશાહની સામા કોઈની માથું ઉપાડવાની હિમત ચાલતી ન હતી. મલેક કાફુરે દક્ષિણમાંના કેટલાએક રાજાઓ ઉપર ખંડણી બેસાડી હતી તે તેઓ ચુપકીથી તથા વગર