પૃષ્ઠ:Karanghelo.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૪૧ )

હરકતે આપ્યાં જતા હતા, દેવગઢના રાજા રામદેવની જે અવસ્થા થઈ તે પાછળ બતાવ્યું છે. તેણે મરતા સુધી ખંડણી આપ્યાં કીધી, પણ તેના મુઆ પછી તેની ગાદી ઉપર શંકળદેવ બેઠો, તે અને તેનો ભાઈ ભીમદેવ બંને ઘણા શૂરા ને પરાક્રમી હતા, તથા આ ખંડણી આપવી, એ તેઓને કડવું ઝેર જેવું લાગતું હતું. ગાદી ઉપર બેઠા પછી કેટલીએક વાર સુધી તો તેણે ખંડણી મોકલ્યાં કીધી; પણ ક્ષત્રી થઈને તાબેદારીમાં રહેવું તે કરતાં મરવું સારૂ એવો તેનો અભિપ્રાય હતો, માટે લડવાની સઘળી તૈયારી કરી તેણે ખંડણી આપવી બંધ કીધી. પાદશાહનાં માણસો વર્ષોવર્ષ તે ઉઘરાવવા આવતાં હતાં તેઓને તે વાયદા અથવા અપમાન કરીને કાઢી મૂકતો. વળી પાદશાહનો વડો શાહજાદો, ખિજરખાં દક્ષિણનો સૂબેદાર હતો અને ખંડણી વસૂલ કરવાનું કામ તેનું હતું. અગર જો શંકળદેવ હમણાં બીજી સ્ત્રી પરણ્યો હતો તોપણ તે દેવળદેવીને હજી સુધી વિસર્યો ન હતો. તેની સાથે તેની પહેલી જ પ્રીતિ હતી; અને પેહેલી પ્રીતિથી મન ઉપર વધારે મજબુત અસર થાય છે, તે નિયમ પ્રમાણે તેના અંતઃકરણમાં દેવળદેવીની મૂર્તિ નિરંતર બિરાજેલી રહેતી. તેને મુસલમાન લઈ ગયા તેથી તે લોકોના ઉપર તેને ઘણો ક્રોધ ચઢેલો હતો; પણ લાચાર, તેનાથી કાંઈ થઈ શકે એમ ન હતું. પણ જ્યારે તેણે સાંભળ્યું કે દેવળદેવી સઘળું વિસરી જઈ ખિજરખાંને પરણી ત્યારે તેને ઘણો જ સંતાપ થયો, અને ત્યારથી તેના ઉપર તથા તેના સ્વામી ઉપર કોઈ પણ પ્રકારે વેર લેવાની તક તેણે શોધવા માંડી. આ વખતે જ્યારે તેણે ખંડણી આપવાની બંધ કીધી, ત્યારે તેને નક્કી હતું કે પાદશાહ ખિઝરખાંને દેવગઢ ઉપર ચઢાઈ કરવાને મોકલશે. તે વખતે તેની સાથે ઘણા જુસ્સાથી લડવું, ખિઝરખાંને હરાવવો, અને દેવળદેવીને પાછી પકડીને પોતાની પાસે રાખી લેવી, એ તેના મનની મોટી હોંસ હતી. પણ તેને પાર પાડવી, એ કાંઈ તેના હાથમાં ન હતું. માણસ તો બીચારો એક પછી એક વિચાર કરી છૂટે છે પણ તેનું ફળ હમેશાં જગન્નિયંતા પરમેશ્વરના હાથમાં છે.