પૃષ્ઠ:Karanghelo.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૪૩ )

હતો તેનો પણ સમૂળ નાશ કરાવવાને તે હમેશાં પ્રયત્ન કરતો હતો. મલેક કાફુરને સારી પેઠે માલમ હતું કે પાદશાહને શૌર્ય ઘણું પ્રિય છે, અને જે કોઈ લડાઈમાં ફતેહ મેળવે છે તેના ઉપર તેને ઘણી મમતા રહે છે, માટે ખિજરખાંને કોઈ પણ લડાઈમાં જવા દેવો નહી અને તેના શૂરાતનની વાત પાદશાહને કાને પડવા દેવી નહી, એ જ તેની મતલબ હતી. તેને ખાતરી હતી કે જો પાદશાહને કાને તેનાં વખાણ જશે તો તેની ગયલી પ્રીતિ તેના ઉપર પાછી આવ્યા વિના રહેશે જ નહીં. એ કારણસર ખિઝરખાંને તેણે કોઈ પણ લડાઈમાં અત્યાર સુધી જવા દીધો ન હતો. અને કોઈ વાર પણ જવા ન દેવો એવો નિશ્ચય કર્યો હતો. એથી ઉલટું તેણે ઘણા એક કામોમાં પોતાનું શૂરાતન દેખાડ્યું હતું. અને તેથી પાદશાહનો પ્યાર તેના ઉપર મજબૂત થયો હતો એટલું જ નહીં, પણ લોકોમાં પણ તે શુરવીરમાં ગણાવા લાગ્યો હતો, અને તેથી કરીને તે બધાનો માનીતો થઈ પડ્યો હતો, તથા તેની સાથે પોતે વ્યંડળ હતો તે બાબતનું કલંક તેણે ધોઈ નાંખ્યું હતું. લોકો તેના સઘળા ગુણથી રાજી હતા. સીપાઈ લોકો પણ તેને ઘણું ચાહતા હતા, તેથી તેની મદદથી કોઈ દહાડો પણ તેની ઉમેદ બર આવે એવો સંભવ હતો. કાકુરે કર્નાટક તથા દ્વાર સમુદ્ર ઉપર છેલ્લી ચઢાઈ કીધી હતી, ત્યાંથી તે ફતેહ પામીને આવ્યો હતો, અને લુંટમાં તે ૩૧૨ હાથી, ૨૦,૦૦૦ ઘોડા, તથા ૯૬,૦૦૦ મણ સોનું તથા જવાહીર, અને મોતીની કેટલીએક પેટીઓ લાવ્યો હતો. પણ તે લડાઈ થયાને કેટલીએક મુદત વીતી ગઈ હતી તેથી તેની કીર્તિ ઝાંખી થવા આવી હતી, એટલામાં બીજી લડાઈ થવાનો પ્રસંગ આવ્યો. તૈલંગણના રાજાએ પાદશાહને કેટલુંએક નજરાણું તથા બસેં હાથી મોકલ્યા, અને તેની સાથે જે કાગળ મોકલ્યો તેમાં તેણે પાદશાહને જણાવ્યું કે મલેક કાફુર સાથે જે તહનામું થયું છે તેમાં ઠેરવેલી ખંડણી આપવાને હું તૈયાર છું. આ કાગળ વંચાયો એટલે મલેક કાફુરે પાદશાહની આગળ ત્યાં જવાનું બીડું ઝડપ્યું. તેણે એ તલંગણના રાજાની ખંડણી વસુલ કરવાનું તથા દેવગઢના અને બીજા રાજાઓ ખંડણી આપવી બંધ કીધી હતી તે પાછી લેવી શરૂ કરવાનું વચન