પૃષ્ઠ:Karanghelo.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૪૪ )

આપ્યું; અને પાદશાહને અરજ કીધી કે મને એક મોટું લશ્કર આપી પાછો દક્ષિણમાં મોકલવો જોઈએ. તેને માલુમ હતું કે દક્ષિણમાં ફરીથી લડાઈ તો થવાની, ખિઝરખાંના તાબાનો મહાલ, દક્ષિણની પાસે હતો તેથી કદાપિ પાદશાહ તેને લડાઈમાં મોકલે, એવી તેને દેહેશત હતી; અને તેમ થવા ન દેવાને તેણે આ અરજ કીધી હતી. પાદશાહને લડાઈની વાત તો ગમતી જ હતી, અને લડાઈ વગર તેને ચેન પડતું ન હતું તેથી કાફુરની વાત સાંભળીને તે ઘણો ખુશ થયો, અને તુરત ત્યાં મોકલવાનું તેણે કબુલ કીધું, એક મોટું લશ્કર એક દમ તૈયાર થયું, અને તે લઈને મલેક કાફુર ઈ૦ સ૦ ૧૩૧૨ માં દિલ્હી છોડી નીકળ્યો.

હવે જ્યારે આ ચઢાઈ કરવાને લશ્કર નીકળ્યું, ત્યારે દેવગઢના દરબારમાં શી હકીકત બની તે ઉપર થોડી વાર નજર કરીએ રામદેવ મરી ગયા પછી શંકળદેવ ગાદી ઉપર બેઠો. તે જ્યારથી રાજા થયો ત્યારથી તે મુસલમાન લોકો ઉપર ઘણો દ્વેષ રાખતો તથા તેને ખંડણી આપવી એ મોટી નામોશી છે, એમ તે સમજતો હતો, તેણે પેહેલા જ વર્ષથી ખંડણી આપવી બંધ કીધી. ભીમદેવનો વિચાર પણ તેવો જ હતો, અને તેઓની આસપાસ જે સામંતો રહેતા તેઓ પણ તેવા જ અભિપ્રાયના હતા. ક્ષત્રી થઈ મ્લેચ્છ લોકને તાબે રહેવું તે કરતાં મરવું હજાર દરજજે સારૂં, એવો વિચાર કરીને ગમે તેવાં પરિણામ થાય તો પણ સામા લડવાનો તેઓએ નિશ્ચય કીધો. એક દહાડે શંકળદેવ, ભીમદેવ તથા તેના શુરા સરદારો દરબારમાં બેઠા હતા. તે વખતે એક જાસુસ ઘણી ઝડપથી હાંફતો હાંફતો ત્યાં આવ્યો, અને રાજાને પગે પડી બોલ્યોઃ “મહારાજ ! દિલ્હીપતિ સુલતાને એક મોટું લશ્કર તૈયાર કીધું છે અને તે લઈને ખેાજો કાફુર આપણી તરફ આવે છે. તેઓની મતલબ તૈલંગણના રાજા પાસે ખંડણી વસુલ કરવાની તથા આપે અને બીજા રાજાઓએ ખંડણી બંધ કીધી છે તે જારી કરવાની છે. મેં તે લશ્કર આવતું જોયું, તે મહારાજને ખબર કરવાને હું દોડતો આવ્યો છું; માટે સાવચેત રહેવું અને તૈયારી કરવી હોય તે કરી મૂકવી.” આ વાત સાંભળીને રાજાના ચેહેરા ઉપર કાંઈ પણ