પૃષ્ઠ:Karanghelo.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૪૬ )

કરવાની તૈયારી કરવા માંડી. પોતાના રાજ્યમાંથી લડનારાં માણસો એકઠા કીધાં. લઢવાનાં શસ્ત્રો તૈયાર કીધાં. શેહેરનો કોટ સમરાવ્યો. શેહેરમાં ઘણું એક અનાજ એકઠું કીધું; અને રોજરોજ સીપાઈઓને હિંમત આપવાને તથા તેઓમાં શૂર ચઢાવવાને પ્રયત્ન કરવા લાગ્યો. પણ એ સીપાઈઓએ મુસલમાનોના હાથથી ઘણીએક વાર માર ખાધેલો હતો, તેઓએ એ મ્લેચ્છ લોકો ઉપર કોઈ દહાડો પણ જય મેળવ્યો ન હતો, માટે તેઓ ઘણા ત્રાસ પામી ગયા હતા. મુસલમાનો ઉપર પરમેશ્વરની મહેરબાની છે એમ તેઓ જાણતા હતા, અને તેઓની સામા લડવું અને જીવ ખોવો, એ બે બરોબર છે એમ તેઓ સમજતા હતા, માટે આવતી લડાઈના વિચારથી તેઓ છેક કાયર થઈ ગયા હતા. પોતાનું મોત નક્કી આવ્યું એમ તેઓની ખાતરી હતી, માટે કેટલાએક સીપાઈઓની લડવાની બીલકુલ ખુશી ન હતી. પણ જ્યારે રાજાએ તેઓને લડવાને બોલાવ્યા, ત્યારે તેઓને આવ્યા વિના ચાલ્યું નહી. તેઓ આવ્યા તો ખરા, પણ લડાઈનો જલદીથી જ અંત આણવો એવો તેઓનો નિશ્ચય હતો. પણ એ વિચાર શી રીતે અમલમાં લાવવો એ મોટી મુશ્કેલી હતી. જો તેઓ લડવાની ના કહે તો તેઓ બાયલામાં ગણાય, તેઓના નામને મોટી એબ લાગે, તથા રાજાની ઈતરાજી તેઓના ઉપર થાય માટે બીજું શું કરવું એ વાતના વિચારમાં તેઓ હતા. પણ તેઓને કાંઈ સુઝ્યું નહી તેઓમાંથી એક સીપાઈ આગળ આવી બોલ્યો, કે રાજાને ઠાર મારવો એટલે લડાઈનું બી બળી જશે, અને જ્યારે મલેક કાફુર આવે ત્યારે નવા રાજા પાસે ધારા પ્રમાણે ખંડણી અપાવવી, એટલે લડાઈનું કારણ રહેશે નહી. સીપાઈની આ વાત સાંભળી પેહેલાં તો કેટલાએક ચમક્યા; કેટલાએક તો સ્થિર ઉભા રહ્યા, કેટલાએકે તે વાત તેઓને પસંદ પડી હોય તેમ ખુશી બતાવી, અને કેટલાએક તે દુષ્ટ વાત સાંભળીને એવા તો ગુસ્સે થયા કે તેઓ તે સીપાઈનું માથું એકદમ કાપી નાંખવા જતા હતા, પણ બીજા બધાએ તેમ કરતાં તેમને રોક્યા. સઘળાઓ વિચાર કરવા લાગ્યા, અને કાંઈ પણ ઠરાવ કીધા વિના પોતપોતાને ઘેર જતા