પૃષ્ઠ:Karanghelo.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૪૭ )

રહ્યા, અને તે છેલ્લા ઉપાય સિવાય બીજો કોઈ સારો રસ્તો નથી, એવી સઘળાએાની ખાતરી થઈ.

બીજે દહાડે સઘળું લશ્કર ધારા પ્રમાણે દરબાર આગળના ચોગાનમાં એકઠું થયું. તેઓ માંહેમાંહે જુદી જુદી જાતની યુદ્ધની તૈયારી કરવા લાગ્યા. કેટલાએક પોતાના ઘોડાને કાવો ફેરવતા હતા; કેટલાએક તેઓને આગળ પાછળ દોડતાં શીખવતા હતા; કેટલાએક બુઠ્ઠા ભાલાવડે જુઠું યુદ્ધ કરતા હતા, કેટલાએક તલવારના પટા ફેરવતા હતા અને કેટલાએક નિશાન માંડીને તે ઉપર તીર મારવાનો મુહાવરો કરતા હતા. એ પ્રમાણે ત્યાં કામ ચાલી રહ્યું હતું, તે વખતે શંકળદેવ રાજા પોતે એકલો, પગે ચાલતો ત્યાં આવ્યો. તેની પાછળ પાછળ તેનો નવો રાખેલો સરદાર ચાલ્યાં કરતો હતો. રાજાને જોઈને આગલી રાત્રે કીધેલે વિચાર તેઓને યાદ આવ્યો. પણ જ્યારે તેઓની નિમકહલાલી ઉપર પાકો ભરોસો રાખી તેને આવતો જોયો, ત્યારે તેઓના મનમાંથી સઘળો ગુસ્સો નરમ પડી ગયો, અને તેની સાથે મરવું અથવા જીવવું એવી સૌને પ્રેરણા ઉત્પન્ન થઈ, પણ એ પ્રમાણેની અસર સઘળાને સરખી થઈ નહીં, કેટલાએકનાં અંતઃકરણ વધારે ક્રૂર હતાં તેઓને જરા પણ લાગ્યું નહીં. કેટલાએક નામરદા હતા, તેઓને રાજાને આવતો જોઈને વધારે બળતું લાગ્યું અને ધારેલો વિચાર અમલમાં લાવવાનો વખત પાસે આવ્યો, એમ જાણી ઘણી ખુશી થઈ. સીપાઈઓમાં ધારા પ્રમાણે કામ ચાલ્યું. એટલો જ તફાવત દેખાયો કે તેઓ સઘળાનાં મન આકુળવ્યાકુળ દેખાયાં. તેઓ નિશાન વારેવારે ચૂકી જતા હતા. સીપાઈઓથી રાજાની સામું નજર ઠેરવીને જોઈ શકાતું ન હતું, અને રાજાએ છેવટ જતી વખત થોડુંએક ભાષણ કીધું ત્યારે હમેશની પેઠે તેઓ સઘળા જયનાદ પાડી ઉઠ્યા નહી. જેઓના મનમાં શૂર ચઢ્યું તેઓ તો બોલી ઉઠયા, પણ કેટલાએક મુંગા રહ્યા, અને નીચું જોઈ ગયા. રાજાને એ સઘળું જોઈને નવાઈ જેવું તો લાગ્યું, પણ કાંઈ બોલ્યા વગર તથા તે ઉપર કાંઈ ટીકા કીધા સિવાય તેણે પાછા ફરવાની તૈયારી કીધી. પણ એટલામાં એક સીપાઈ કાંઈ જાહેર કરવા આવતો હોય એમ ધીમેથી રાજાની પાસે આવ્યો. તેણે