પૃષ્ઠ:Karanghelo.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૪૯ )

પૂછ્યા સિવાય તે કાંઈ પણ કામ કરતો નહી, આ નવો માનીતો પુરૂષ રાજાને લડાઈ કરવાને નિરન્તર બોધ કર્યા કરતો હતો. ક્ષત્રી થઈ મ્લેચ્છને ખંડણી આપવી એ કરતાં મરવું સારૂં, એમ તેના મનમાં રાત દહાડો ઉતાર્યા કરતો હતો અને તેથી રાજાની હિંમત ટકી રહી, તેથી રાજાનો અસલનો ઠરાવ કાયમ રહ્યો, અને તેથી તેણે ખંડણી આપવાનો વિચાર બંધ પાડ્યો, અને યુદ્ધ કરવાની તૈયારી કીધી, એક અઠવાડીયું ગયા પછી એક સવારે શેહેરમાં હાહાકાર થઈ રહ્યો. ગામડાંના લોકો રાત્રે શહેરમાં દોડતાં આવ્યાં, અને તેઓ ખબર લાવ્યાં કે મુસલમાનોનું એક ભારે લશ્કર આવે છે. દુશમન જેમ જેમ આગળ આવતા ગયા તેમ તેમ રાજાના મનમાં વધારે ત્રાસ બેસાડવાને રસ્તામાં જે જે ગામો આવ્યાં તે તે તેઓએ બાળી નાંખ્યાં. ખેતરમાંનું અનાજ બાળ્યું, કાપ્યું, છુંદી નાંખ્યું, અથવા બીજી રીતે તેમાં બગાડ કીધો. લોકોને મારી તો ન નાંખ્યાં, પણ તેઓને શેહેરમાં મોકલી દીધાં, અને એમ કીધાથી તેઓએ ધાર્યું કે જો શંકળદેવ રાજા દેવગઢમાં ભરાઈ બેસશે, તો શેહેરમાં ઘણા માણસો હોવાને લીધે અનાજ ખૂટી પડશે, અને સીપાઈઓને ભુખે મરવું પડશે, એટલે લડાઈનો જલદીથી અંત આવશે. એવી રીતે નુકસાન કરતા તેઓ દેવગઢની નજદીક આવી પહોંચ્યા. શંકળદેવ સવારમાં ઉઠ્યો, ત્યારે આ સમાચાર તેણે જાણ્યા. તેણે તુરત જ પોતાનાં સઘળાં માણસોને એકઠાં કીધાં, અને પોતે બખતર તથા શસ્ત્ર સજી પોતાના કુટુંબની રજા લઈને ઘરની બહાર નીકળ્યો. ભીમદેવ પણ તેની સાથે જ હતો અને પેલો નવો રાખેલો સરદાર અને હમણાં તો રાજાનો માનીતો નનામો પુરૂષ પણ રાજાની પાસે હતો, લશ્કર એકઠું થયા પછી લડાઈનાં વાજીંત્ર સાથે તેઓ આગળ ચાલ્યાં, પણ શેહેરના લોકો રાજાને આશીર્વાદ દેવાને થોડા જ બહાર આવ્યા હતા. તેઓ બારીબારણાં બંધ કરી ઘરમાં ભરાઈ રહ્યા. એક જાતની ઈશ્વરી પ્રેરણાથી અથવા વધારે સાચું કહીએ તો અનુભવથી તેઓને ખાતરી હતી કે શંકળદેવની હાર થશે અને તેથી લડાઈ કરવાના રાજાના આ દુરાગ્રહથી તેઓ નાખુશ હતા, શેહેરની