પૃષ્ઠ:Karanghelo.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩પ૦ )

ખરાબી થયા વિના રહેવાની નથી, એ દહેશતથી તેઓ ભયભીત તથા ઉદાસ થઈ ગયા હતા. થોડાંએક માણસોએ રાજા ઉપર ફુલ વધાવ્યાં, તથા પરમ કૃપાળુ ઈશ્વર પાસેથી માગી લીધું કે ક્ષત્રી રાજાનો જય થાઓ, અને મ્લેચ્છ, ચંડાળ લોકોનો સંહાર થાઓ, પણ એવું ઇચ્છનારા તથા એ તેઓની પ્રાર્થના ઈશ્વર માન્ય કરશે, એમ માનનારા થોડા હતા. તે જોઈને રાજાને ઘણી દિલગીરી થઈ, તથા એ વાતથી તેનું અર્ધું શૌર્ય ઓછું થયું. તોપણ તેને આશા હતી કે જે વખતે જય મેળવીશ તો કીર્તિ વધારે થશે, અને હમણાં જેટલી નાઉમેદી છે તેનો જ પ્રમાણમાં મારી પ્રતિષ્ઠા વધશે. એટલા જ ઉપરથી તેના મનને દિલાસો મળતો હતો. તેના સીપાઈઓમાં પણ જોઈએ તેટલી હોંસ ન હતી. તેઓ મરવા જતા હોય તેમ તેઓના મ્હોં ઉપરથી સ્પષ્ટ દેખાતું હતું. તેઓને જીતવાની કોઈ આશા ન હતી. તેઓએ પોતાનાં બૈરાંછોકરાને છેલ્લા રામ રામ કીધા હતા, અને પાછા ઘેર જઈશું એવા કોઈ રીતે ભરોંસો ન હતો. નીકળતાં શકુન પણ સારા થયા નહી, જેશીઓએ સારું મુહર્ત પણ આપ્યું ન હતું, અને અગર જો તેઓ રાજાને મ્હોડે સારી સારી વાતો બોલતા, તોપણ બીજાઓની આગળ રાજ્યની ખરાબી વિષે તેઓએ કહી રાખ્યું હતું. રાજાનો ચંદ્ર સારો નથી, એ પ્રમાણે વહેમ સઘળે પથરાઈ રહ્યો હતો, પણ શાંકળદેવને કાળે ઘેરેલો તેથી તેને કાંઈ સુઝ્યું નહી, અને તેથી આ સઘળી વાતની કાંઈ પણ ફિકર રાખ્યા વિના પોતાના લશ્કર સહિત આગળ ચાલ્યો, અને શેહેરથી કેટલેક દૂર જઈ એક સારી જગાએ ઉભો રહ્યો.

મુસલમાનોના લશકરને પણ આવતાં કાંઈ વાર લાગી નહી. તેઓએ જયારે રાજાનું લશ્કર લડાઈ કરવાને ગોઠવાયલું જોયું ત્યારે તેઓને ઘણો જ આનંદ થયો, અને હવે થોડી વારમાં તે લશ્કરના કડકે કડકા કરી નાંખીશું, એ ખુશીથી તેઓએ એક મોટી ચીસ પાડી. તેના જવાબમાં રજપૂતોએ પણ કિકિયારી કીધી, પણ તેમાં શત્રુના જેટલો જુસ્સો જણાયો નહી. જયારે મલેક કાફુર દુશ્મનના લશ્કરની પાસે આવ્યો, ત્યારે તેણે પોતાનાં માણસોને ઉભાં રાખ્યાં, અને એક માણસને બોલાવી તેને કાંઈ સંદેશો કહી રાજા પાસે મોકલ્યો. તેણે