પૃષ્ઠ:Karanghelo.pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩પ૨ )

તે તેણે કાઢી નાંખી. પછી રાજાએ તે જાસુસને જવાબ આપ્યો: “અત્યાર સુધી મારા બાપે જે ખંડણી આપી તે તેણે ઘણું ખોટું તથા નામરદાઈનું કામ કીધું. આટલી વાર સુધી અમારી હાર થઈ તે અમારા પાપને લીધે, તો પણ જ્યાં સુધી અમે ક્ષત્રી કેહેવાઈએ છીએ ત્યાં સુધી અમે કોઈને તાબે રહેવાના નથી. અમારા શરીરમાં અમારૂં શૂરૂં લોહી ઉકળી આવે છે; માટે લડાઈ કીધા વિના ખંડણી આપનાર નથી. જો લડાઈમાં જય થશે તો ઠીક છે, અને જો પરાજય થશે તો જે ઈશ્વરે ધારેલું હશે તે થશે, એટલો જવાબ તમારા સરદારને કહેજો.”

થોડી વારમાં મુસલમાન લશ્કરે હુમલો કીધો, “અલ્લાહુ અકબર ” એ બૂમ સઘળે પથરાઈ ગઈ. તેઓએ પેહેલ વેહેલાં જ તેઓનો જુસ્સો બતાવ્યો. પણ રજપૂત તથા મરાઠા હજી એવા બાયલા થઈ ગયા ન હતા કે પેહેલા જ સપાટામાં હારે. તેઓએ ઘણી જ ધીરજથી લડાઈ કરીને મુસલમાનોને પાછા હઠાવ્યા. રજપૂત સૈન્યમાં પણ રણસંગ્રામના વાજીંત્ર વાગી રહ્યાં હતાં. તેઓના ઘોડા ખંખારતા હતા. માણસોમાં ખુન ભરાઈ ગયું હતું, અને ઘણો શોરબકોર થઈ રહ્યો હતો. બીજી વાર મુસલમાન લોકોએ હુમલો કીધો અને આ વેળા તેઓએ ધસારો ઘણા જોરથી કીધો, પણ રજપૂતો એક પથ્થરના કોટની પેઠે ઉભા રહ્યા હતા તેને ભેદીને તેઓથી પાર જવાયું નહી. તીરથી વાદળ છવાઈ ગયું, તલવારને ઝળકાટ થઈ રહ્યો, અને તેઓ જ્યારે એકએકની સાથે અથડાતી ત્યારે વિજળીની પેઠે ચમકારા થતા હતા. ભાલા લશ્કરમાં ઉછળતા હતા, અને ક્ષણે ક્ષણે ઘણાએક અભાગિયા માણસો ભોંય ઉપર પડતા હતા. લડાઈનો ગડબડાટ, મરતાં માણસોની ચીસ તથા ઘાયલ માણસો રગદોળાઈ જતાં હતાં તેઓનાં દુઃખની બુમોથી તે જગા ખરેખરી ભયંકર થઈ રહી હતી, યુદ્ધ ખુબ જોસમાં મચી રહ્યું હતું. આકાશમાં ગીધ, સમડી, અને કાગડાઓ ઘણા આનંદમાં ઉડતાં હતાં, અને થોડી વાર પછી એક મોટી ઉજાણી તેઓને મળશે એવી તેઓને ખાતરી હતી. લોહીની નીક ત્યાં વેહેવા લાગી. એક તરફથી મુસલમાનોની “અલ્લાહુ અકબર” અને બીજી તરફથી