પૃષ્ઠ:Karanghelo.pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩પ૪ )

કીધી, પણ તે સઘળી વ્યર્થ ગઈ. જ્યારે તેઓ એક કોશ સુધી ગયા ત્યારે તેઓને કાફુરે ઘણી મુશ્કેલીથી અટકાવ્યા, અને તેઓની નામરદાઈ ઉપર ઘણા ઠોક પાડ્યા. પણ સીપાઈઓની હવે લડવાની હિંમત રહી નહી. તે વખતે મલેક કાફુરે એક નવી તદબીર કીધી. તેણે તેઓના ધર્મના વિચાર જાગૃત કીધા, અને એક કુરાન ફાડી નાંખીને તેની જુદી જુદી આયતો નિશાન ઉપર ચોઢી, અને એ પ્રમાણે ખુદાતાલાના રક્ષણ નીચે છીએ, અને હવે કોઈ પણ શત્રુ આપણી આગળ ટકી શકશે નહી એવું પોતાના માણસોને સમજાવીને તેણે તેઓને નવી હિંમત આપી. આ ઉપાય સફળ થયો, તેની ધારેલી અસર થઈ સીપાઈઓને પાછું શૂર ચઢ્યું; અને તેઓ પાછા ચાલ્યા. જયારે તેઓ હિંદુઓની પાસે આવ્યા, ત્યારે મલેક કાફુરે નીચા વળીને રસ્તા ઉપરથી થોડીએક ધુળ લીધી, અને એક આયત ભણીને હિંદુઓની તરફ ફેંકી તે બોલ્યો: “દુશ્મન પાયમાલ હોજો.” એટલું બસ થયું, મુસલમાનોએ ત્યાર પછી એવો તે ધસારો કીધો, તથા એવા જોરથી લડ્યા કે હિંદુઓથી ટકાયું નહીં. તેઓની હાર તુટવા માંડી, અને થોડી વારમાં તેઓમાંના એટલાં તો માણસ કપાઈ ગયાં, કે તેઓના મનમાં ત્રાસ પેંસી ગયો, અને તેઓએ પાછાં પગલાં ભરવા માંડ્યાં, તે વખતે શંકળદેવે નીકળીને બુમ પાડી કે 'નાસશે તે બાયલો, હિંચકારો, તથા તેની સાત પેઢીને એબ લગાડનાર સમજવો, માટે આ ઠેકાણે મરવું કે જીતવું.' પણ હવે તો માર ઘણો સખ્ત પડવા લાગ્યો, ઘણા ઘણા સરદારો પડ્યા. સીપાઈઓનો તો મરવાનો સુમાર ન રહ્યો. મલેક કાફુરનો વિચાર રાજાને મારવાનો અથવા જીવતો પકડવો એવો હતો, અને તે કારણથી રાજાના ઉપર ઘણાએક હુમલા થતા હતા પણ તેણે પોતાની તથા તેના માનીતા સરદારની બહાદુરીથી એ સઘળાને હઠાવ્યા. તેની તરફના કેટલાએક સીપાઈઓએ નાસવા માંડયું. અને તેનોન ચેપ બીજાઓને લાગ્યો. લશ્કરમાં ભંગાણ પડી ગયું. શંકળદેવ તેઓની ફરીથી વ્યવસ્થા કરવા લાગ્યો ૫ણ કાંઈ ફાવ્યું નહી. સઘળી તરફથી સીપાઈઓ નાસવા લાગ્યા.