પૃષ્ઠ:Karanghelo.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
(૩૦)

હતું. એક ઠેકાણે બે સ્વાર ઘોડા ઉપર બેસીને જુઠું યુદ્ધ કરતા હતા. બંનેની પાસે બુઠ્ઠી અણીના ભાલા હતા અને તેઓ એક હાથમાં ગેંડાના ચામડાની ઢાલ પકડી લડતા હતા, તેમાંથી સામાવાળાના ભાલાના આચકાથી જે પડી જાય તે હારે અને લોકો તુરત તાળી પાડી બુમાબુમ કરી મુકે. એક રજપૂત સ્વાર ભાલાવાળાની સામા તલવાર લઈને લડ્યો, અને તલવારની અણીવતી તે સામા માણસને વગાડ્યા સિવાય તેને ઘોડા ઉપરથી ઢોળી પાડ્યો. કેટલાએક કોળી સિપાઈઓ સામે માટીનું ચક્કર મુકી તેમાં તીર પીંછાસુદ્ધાં પેસે એવી શરતે આઘેથી તીર મારતા હતા. કેટલાએક સ્વરો પોતાના ઘોડાને કાવો જ ફેરવ્યાં કરતા; કેટલાએક તેઓને નચાવતા; કેટલાએક ઘોડાને થોડુંક દોડાવી પાછા લાવતા. એ પ્રમાણે ત્યાં ગમત થઈ રહી હતી. આસરે એક કલાક સુધી કસરત કરી સ્વાર લોકો તથા સિપાઇઓ રાજાને જુહાર કરી પોતપોતાને ઠેકાણે ગયા. તમાશગીર લોકો તે દહાડાની હકીકતની વાતો કરતા તથા સ્વારીની ટિકા કરતા કરતા પાછા વળ્યા. રાજા હાથી ઉપરથી ઉતરી મહેલમાં જઈ લુગડાં ઘરેણાં ઉતારી દેવની પૂજા કરી આરતી ઉતારી ચંદ્રશાળામાં ગયો, અને ત્યાં ભોજન કરવાની તૈયારી કીધી, રાત્રે રાજા પોતાની રાણી સાથે જમતો, માટે ત્યાં બીજું કોઈ ન હતું. રૂપાના પાટલા માંડ્યા, અને મુખ્ય રાણી સોનાની થાળીમાં જમવાનું પીરસીને લાવ્યાં. જમી રહ્યા પછી સીસાઓ તથા વાડકા આવ્યા, તેમાં દરાખ તથા મહુડાનો દારૂ રાજાએ થોડો થોડો પીધો. ખાઈ રહી હાથ મ્હેાં ધોઈ રાજાએ પાનસોપારી ખાધાં, અને ત્યાર પછી આખા શરીર ઉપર ચંદન તથા મળિયાગરાનો લેપ કરાવ્યો; તે થઈ રહ્યા પછી રૂપાની એક સાંકળનો હિંડોળો તે ઓરડામાં હતો તે ઉપર રાજા આરામ લેવા જરા સુતો, પાસે રૂપાની સુંદર દીવીઓ ઉપર દીવા બળતા હતા તેથી આખા ઓરડામાં ઝળઝળાટ થઈ રહ્યો હતો. એ ઓરડાનાં બારણાં આગળ ચોકીદાર બેઠા હતા, તેઓ રાજા હવે સુઈ જશે એમ ધારતા હતા. પણ થોડીવાર પછી રાજા હિંડોળેથી ઉઠ્યો અને એક હલકા રજપૂતનાં લુગડાં રાખેલાં હતાં તે તેણે પહેર્યાં.