પૃષ્ઠ:Karanghelo.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૧ )

તેણે પોતાનું મ્હોં છુપાવવાને બુકાની બાંધી, અને પગે જુના જોડા પહેર્યા પછી એક ખવાસને બોલાવી હુકમ કીધે કે આજ રાત્રે વીરચર્ચા કરવાનો એટલે નગરચર્ચા જોવાનો મારો વિચાર છે, માટે એક લોટામાં પાણી ભરી લઈ મારી સાથે આવવું, ખવાસ હુકમ પ્રમાણે જલદીથી તૈયાર થયો, અને તે તથા રાજા બંને મહેલને પાછલે બારણેથી નીકળી પડ્યા.

તે વખતે દોઢ પહોર રાત ગઇ હતી, અને દુકાનદારો દુકાન બંધ કરી પોતપોતાને ઘેર જતા હતા. લોકો પોતપોતાના ઘરમાં જ હતા, અને આખો દહાડો રઝળેલા તેના થાકથી ઘણાએક તો સુઈ ગયા હતા. કેટલાએક બારીએ બેસી પડોસીઓ જોડે તડાકા મારતા હતા. કેટલેક ઘેર બાયડીઓ એકઠી થઈ માતાના ગરબા ગાતી હતી તે જોવા તથા સાંભળવા કેટલાએક લોકો બહાર મ્હોં ઊઘાડાં મુકીને ઉભા હતા, અને ગરબાના વિષય, તે ગાવાની રીત, તથા ગાનારીઓના ઘાંટા ઉપર ટિકા કરતા હતા. પાતરવાડામાં પાતરો બારીએ દીવા મુકીને પોતાનાં અંગ ઉપર કીમતી લુગડાં, ઘરેણાં તથા ફુલના હારગજરા પહેરીને બેઠેલી હતી, અને રસ્તે જતા આવતા લોકોને મોહજાળમાં ફસાવવા ફાંફાં મારતી હતી. તેમાંથી કેટલાએક અભાગીયા લોકો તે જાળમાં ફસાઈ પડીને ક્ષણભંગુર સુખને વાસ્તે અક્ષય સુખનો આંધળા થઈ ત્યાગ કરતા હતા. કેટલીએક રામજનીના ઘરમાં રાગતાન થતાં હતાં, વાજીંત્રનો નાદ થઈ રહ્યો હતો, અને દીવામાં પડતાં પતંગીયાંની પેઠે કેટલાએક મૂર્ખ લોકો ત્યાં ઝંપલાવતા હતા, અને તેઓની આંખ ઉપર એવાં તો જાડાં પડ વળી ગયાં હતાં કે તેઓ તે સમયે જાણે વિષ્ણુના વૈકુંઠમાં બેઠા હોય એમ તે અધમ પુરૂષોને લાગતું હતું. સાંકડી ગલીઓ તથા ઉજડ રસ્તાઓમાં બુકાની બાંધેલા માણસો ચુપકીથી ફરતા હતા, અને લાગ ફાવે તો પારકો માલ પોતાનો કરવાને તેઓનો ઈરાદો જણાઈ આવતો હતો. કોઈ કોઈ ઠેકાણે વંઠેલ સ્ત્રીપુરૂષ પોતાનાં ઘરબાર છોડી દુષ્ટ વિચારથી આમ તેમ ભટકીયાં મારતાં હતાં, એ સઘળું રાજાએ જોયું, અને તેમાંની ઘણીએક વાતનો બંદોબસ્ત