પૃષ્ઠ:Karanghelo.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૪ )


તેથી કુરૂક્ષેત્રનું યુદ્ધ થઈ તેમાં કૌરવોનો અને તેઓનાં તથા પાંડવ તરફનાં કરોડો માણસોનો નાશ થયો, માટે હે રાજા ! બાયડીથી બહુ સંભાળીને ચાલવું, અને તેઓ સાથે જેમ બને તેમ થોડો સંબંધ રાખવો.”

કરણ રાજા એટલું સાંભળી પાછો વળ્યો, અને આખે રસ્તે આ બનાવ વિષે એટલા બધા વિચાર તેના મનમાં આવ્યા કીધા કે તેણે રસ્તો કાંઈ જાણ્યો નહીં. તે એક યંત્રની પેઠે આગળ ચાલ્યાં જ કરત, પણ એક મહાદેવના દેવસ્થાન આગળ ભારે ભીડ થઈ હતી ત્યાં લોકોની ઉપર તે અથડાયો ત્યારે તેને ભાન આવ્યું. આસપાસ જોઈ ભીડ થવાનું કારણ લોકોને પુછ્યું ત્યારે એક જણે જવાબ દીધો કે દહેરામાં વૈરાટપર્વનું નાટક થાય છે તે જોવાને લોકો મળ્યા છે. નાટકનું નામ સાંભળીને તે જોવાનું તેને મન થયું અને ખવાસને બોલાવી બંને જણ દહેરામાં ગયા, તથા ધક્કામુક્કી કરી ઉભા રહ્યા તો ત્યાં વૈરાટ રાજાની સભા મળી હતી, અને પાંડવો એક પછી એક જુદો જુદો વેશ ધારણ કરી રાજાની પાસે નોકરી માગવા આવતા હતા, નાટકની ગમતમાં રાજા એટલો બધો લીન થઈ ગયો કે વંત્રીની વાત તે તમામ ભુલી ગયો. કેટલીક વારે ખવાસને અફીણને લીધે ઝોકાં તથા બગાસાં ખાતો જોઈને રાજાને પણ બગાસાં આવવા માંડ્યા, અને એક પહોર રાત રહી છે, એમ સાંભળીને તેણે પાછા મહેલ ઉપર જવાનો ઠરાવ કીધો. જતાં પહેલાં મહાદેવનાં દર્શન કરવાને દહેરા તરફ ગયો, પણ બારણાં આગળ જાય છે એટલામાં ઝમઝમાટ કરતી આવતી સ્ત્રીને જોઈને પોતાની મરજી ઉપરાંત તે ત્યાં જ ઉભો રહ્યો, અને તેની શુદ્ધ બુદ્ધ ઉડી ગઈ. તે સ્ત્રી ખરેખરી પદ્મિની હતી. જ્યારે તે સ્ત્રી દહેરામાં ગઈ અને જ્યારે કરણને બોલવાની શુદ્ધિ આવી ત્યારે તે સ્ત્રી કોણ હતી તે વિષે તેણે ખવાસને પુછ્યું, ખવાસે જવાબ દીધો કે, “મહારાજ, એ તો આપણા પ્રધાનજી માધવની ધણીઆણી છે, અને તેની પાછળ ચાકરના હાથમાં સેનાની થાળી હતી, તેમાં ચંદન, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય હતું તેથી તે પૂજા કરવા આવી હશે.” વિજળીનો આચકો લાગ્યો હોય તેમ આ સાંભળીને કરણ ચમક્યો અને બોલ્યો, “માધવની ધણીઆણી ? પેલા માધવની ! એ વાત ખરી છે? તું જુઠું તો બોલતો