પૃષ્ઠ:Karanghelo.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૫ )


નથી ? આ રાજ્યમંદિરમાં વાસ કરવા લાયક, એ રાજ્યમહેલનું આંગણું દીપાવે એવી સ્ત્રી એક બામણાના ઘરમાં ! એવો વિચાર કરતો કરતો કરણ પોતાના મહેલમાં જઈ હિંડોળે સુતો, પણ તેને જરા પણ નિદ્રા આવી નહી.



પ્રકરણ ૩ જું.

જ્યારે કામજવરથી પીડાયલે કરણ રાજા પોતાનું ધારેલું કામ પાર પાડવાના વિચારમાં બીછાના ઉપર તરફડીયાં મારતો હતે તે વખતે બહાર રાતનો અમલ ઉતરીને રાત તથા દહાડાની મર્યાદાની વચ્ચેનો તકરારી વખત થયો હતો. આકાશ કેવળ સ્વચ્છ હતું. અરૂણે સોનાની કુંચીવડે પૂર્વ દિશાનો મોટો દરવાજો ઉઘાડ્યો, અને સુતી દુનિયાને જાહેર કીધું કે હવે સૌને કામે વળગવાનો વખત થયો છે. અરૂણ સારથી આવ્યો એટલે તેની પાછળ સૂર્યનારાયણ રથમાં બેસીને જલદીથી આવશે એવું જાણીને રસ્તામાં રમતા છોકરા મહેતાજીને આવતા જોઈ નાસી જાય છે તેમ તારાઓ એક પછી એક પોતપોતાનું મ્હોડું સંતાડવા લાગ્યા, ચંદ્ર તો તે પહેલાં અસ્ત થયલે જ હતો. શુક્રનો તારો જેને વિષે ગામડીયા લોકો કહે છે કે ચંદ્રમા મુઆ પછી એ તેની જગો સાચવશે, તે થોડી મુદત સુધી હિંમત રાખી ઉભો રહ્યો, પછી તે પણ જલદીથી ભરાઈ ગયે. સૂર્ય દેવતાને આદરમાન આપવાને પૂર્વ તરફ વાદળામાં ઇંદ્ર રાજાએ ઘણા ભભકાદાર રંગના સાથીયા પૂર્યા. તળાવોમાં કમળનાં ફુલ ખીલી તેઓએ પોતાના સૂર્ય પિતાને મળવાને પોતાનાં મ્હોડાં પૂર્વ તરફ ફેરવ્યાં. કુમુદિનીનાં ફુલની પાંદડી બીડાઈ જઈ નીચે નમી ગઈ. પોતાની પ્રિયાને ખીલેલી જોઈ ભમરાઓ કમળની આસપાસ ફરી ગુંઝાગુંઝ કરવા લાગ્યા. ચંપા, ચંબેલી, સેવતી, માલતી, વગેરે કુલોમાંથી મંદ મંદ સુગંધ શીતળ વાયુની સાથે ઘસડાઈ આવીને નાસિક ઈંદ્રિયને મગ્ન કીધી. ઠેકાણે ઠેકાણેથી દિવાકરના ચોપદાર કુકડાઓએ નેકી પોકારી. ચકલીઓ માળામાંથી નીકળી ચીંચીં કરવા લાગી. કાગડાઓ કાકા બોલવા લાગ્યા. પાંજરામાંનાં પોપટ,