પૃષ્ઠ:Karanghelo.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૬ )


મેના ઈત્યાદિ પક્ષીએાએ મીઠા બોલથી પોતાના ધણીને જગાડ્યા; અને વાડીઓ તથા ઝાડીઓ સુંદર નાદવાળાં પક્ષિઓના શબ્દથી આનંદકારક થઈ રહી, દેવસ્થાનોમાં દેવને જગાડવાને નેાબત તથા શંખ વાગવા લાગ્યા. શહેરમાં ગરીબ લોકોનાં ઘરમાં ઘંટીનો ઘોર તથા તેની સાથે દળનાર બાયડીઓને શોર થઈ રહ્યો. કેટલાએક સવારે,સુતા સુતા પ્રભાતિયાં તથા બીજાં ભજન ગાવા મંડ્યા. છીપા, સોની, લુહાર કંસારા વગેરે ઉદ્યમી લોકોએ તે વખતે હથોડા ઠોકી શહેરના તે ભાગને ગજાવી મુક્યો. કોઈ કોઈ ઘરમાં એક અથવા વધારે બાયડીઓ બેસીને ઘરમાંના લાંબી મુદત ઉપર મુએલા માણસને વાસ્તે અમથો રાગડો કાઢી જૂઠું રડવા લાગી. તેઓની આંખ તેએાના મ્હોંને જવાબ દેતી ન હતી, કોઈ કોઈ ઘરમાં દહીં વલોવવાનો શબ્દ સંભળાતો હતો. રાજાના મહેલમાં ચોઘડીયાં વગેરે બીજાં વાજીંત્રો વાગી રહ્યાં હતાં. વિદ્યાર્થીઓ ઓટલે બેસી પાનાં હાથમાં રાખી ધુણતા ધુણતા આગલા દહાડાનું શીખેલું ફરીથી વાંચી જતા હતા. વાણિયાના છોકરા પોતાના અક્ષર ઠેરવવાને વાસ્તે દોપીસ્તાં લખવા બેઠા હતા. ગાય, ભેંસ ઈત્યાદિ પશુઓ ગળાના બંધ છુટ્યાથી આનંદમાં ગોવાળિયાની પાછળ ચરવા જતાં હતાં. કુળવંતી, સારા સ્વભાવની બાયડીઓ ઉઠી પોતાનાં ઘર વાળીઝાડી પેતાનાં છોકરાં તથા ધણીને સુખ આપવાનાં સાધન કરવામાં પડેલી હતી; તેમ દુષ્ટ શંખણી બાયડીઓ બબડતી, ફફડતી છોકરાંને ગાળ દેતી, તથા મારપછાડ કરતી, અને ધણીને ધમકાવતી આણીગમ તેણીગમ ઘરમાં ફરતી હતી. આળસુ, એદી, અફીણી, અને એવા સુસ્ત લોકો બગાસાં ખાતા ઢોલીયા ઉપર ગબડતાં હતા; પણ ઉદ્યમી ચાલાક લોકો ઉઠી દાતણ પાણી કરી પોતપોતાને ધંધે વળગ્યા હતા, દુકાનદારો તો થોડો નાસ્તો કરી લુગડાં પહેરી હાથમાં મોટી કુંચી લઈ દુકાને જતા હતા. કેટલાએક દુકાન ઉઘાડતા હતા. અને કેટલાએક તો દુકાન ઉઘાડી વાળી ઝાડી, ધોઈ તેની પૂજા કરી, માલ ગોઠવી દુકાન આગળનો રસ્તો સાફ કરતા હતા. કેટલાએક લોકો પાઘડી પહેરી અંગવસ્ત્ર ઓઢી હાથમાં લોટા લઈ શહેર બહાર જતા હતા. શહેરની સ્ત્રીઓ પાણી ભરીને માથા ઉપર બહેડાં