પૃષ્ઠ:Karanghelo.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૯ )

કે રાજાના હજારો સિપાઈઓએ આવી આપણો મહેલ ઘેરી લીધો છે, અને તેઓ આપણી ચોકીદારોને કાપી નાંખે છે.

એ ખબર સાંભળતાં જ રૂપસુન્દરી મૂર્ચ્છાંગત થઈ ભોંય ઉપર પડી. કેટલાએક નામરદ ચાકરો નાસી જઈ ઘરમાં ખુણે ખોચરે ભરાઈ બેઠા, પણ કેટલાએક શૂરા ઈમાનદાર નોકરોને એ વાત સાંભળી શૂર ચડ્યું, અને પોતપોતાની ઢાલ, તલવાર વિગેરે જે જે હથીયાર હાથ આવ્યાં તે લઈ લડવા તૈયાર થઈ ઉભા રહ્યા. રૂપસુન્દરીની આગળ ઢાલ લઈને તેનો દીયર એટલે માધવનો ભાઈ કેશવ ઉભો રહ્યો. તેની ઉમર આસરે પચીસ વર્ષની હતી, અને પોતાના મોટા ભાઈએ રળીને તેને ઘણી મુદત સુધી ખવડાવ્યું હતું તેથી નાનપણથી તેને રળવાની ફીકર ન હતી. તેણે તેની સોળ વર્ષથી બાવીશ વર્ષ સુધીની ઉમર અંગકસરત, દાવપેચ, કુસ્તી, તલવારના પટ ઈત્યાદિ સિપાઈને ઉપયોગી થઈ પડે એવાં કામોમાં કાઢી હતી, તેથી જુવાનીના સ્વાભાવિક બળ સાથે તેનામાં કસરતથી મેળવેલું વિશેષ બળ હતું તેનું અંગ મજભૂત તથા સીનાદાર હતું. તેની આંખ જુસ્સાથી રાતી જ રહેતી, અને તેને વેચાતી લડાઈ લેવાની એવી તો ટેવ પડી ગઈ હતી કે માધવે તેને સારા ઉંચા હોદ્દા ઉપર નિમેલો હતો તો પણ જેમ બને તેમ તેને બીજા લોકો સાથે થોડો જ પ્રસંગ પડવા દેતો. તે તેના ભાઈના જેવો ખુબસૂરત તથા ગોરા વર્ણનો નહોતો; તોપણ લોહીની સ્વચ્છતાથી તેના રૂપ ઉપર જુદા જ પ્રકારનું તેજ દેખાતું હતું. તે બહાર આવો વાઘ હતો તો પણ ઘરમાં બકરી જેવો હતો, અને તેની છાતી બહારથી વજ્ર જેવી સખત હતી, તે પણ તેનું હૈયું ઘણું નરમ હતું. પોતાના ચાકર પાસે પોતાની વહાલી તલવાર મંગાવી એક હાથમાં તે પકડી બીજા હાથમાં ઢાલ રાખી ઉભો રહ્યો, અને હજારો માણસ તેના ઉપર એકદમ ટુટી પડે તો પણ મરાય તેટલા મારી આખરે મરવું એવો દૃઢ નિશ્ચય કરી તોફાની સમુદ્રની વચ્ચોવચ પથ્થરના ખડકની પેઠે રૂપસુન્દરીનું રક્ષણ કરવાને ઉભો રહ્યો. બહારના ચોગાનમાં ગડબડાટ વધ્યો; ઉછળતી તલવારનો ખડખડાટ કેશવને કાને પડ્યો, તેનું ચાલે તો ઉડીને ત્યાં જઈ શત્રુના કટકે કટકા કરી નાંખે; પણ સ્ત્રીનું રક્ષણ કરવું તેથી