પૃષ્ઠ:Karanghelo.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૪૦ )

તેનાથી ત્યાંથી ચસાય નહી. એટલામાં એક મોટી ચીસની સાથે સો માણસો ઘરમાં પેઠાં, અને બારણા આગળ ઉભેલા માધવના ચાકરોને હઠાવીને તથા કાપી નાંખીને આગળ વધ્યાં. કેશવ તેમને આદરમાન આપવાને તૈયાર જ હતો, તણે એક ઘાથી આગલા સિપાઈના બે કકડા કીધા અને બીજે ઘાએ બીજાનું માથું તેના ધડથી જુદું પાડ્યું, સિપાઈઓ જરા આંચકો ખાઈ ઉભા, અને પોતાના નાયક સામું જોયું, નાયકે કેશવને કહ્યું, “સાંભળો ભાઈ ! અમે કંઈ ઈહાં મારામારી કરવા આવ્યા નથી. રાજાની ઇચ્છા રૂપસુન્દરીને લેવાની છે, તે જો તમે સલાહસંપથી આપશો તો અમે મુગા મુગા અમારૂં કામ કરીને ચાલ્યા જઈશું, નહી તો અમારે નકામી બ્રહ્મહત્યા કરવી પડશે, માટે વિચાર કરીને કામ કરજો. ”કેશવ ક્રોધથી રાતો હિંગળોક વર્ણ થઈ ગયો. તે બોલ્યો: “જો તારા કૃતઘ્ની, અધમ, વિષયી રાજાને રૂપસુંદરી જોઈતી હોય, અને તમને તેણે લેવા મોકલ્યા હોય, તો મને મારીને લઈ જાઓ. નાગર બચ્ચો કદી પોતાનો જીવ બચાવવા સારૂ પોતાના કુળ, ધર્મ તથા ન્યાતને કલંક લાગવા નહી દે.” તે સાંભળી નાયકે ઇસારત કીધી, એટલે એકલા કેશવ ઉપર તલવારના ઘાનો વરસાદ વરસાવ્યો, પણ એક તસુ ખશ્યા સિવાય તે મરણતોલ ઘાયલ થયો ત્યાં સુધી તેની તલવારે પાંચ અથવા સાત માણસનાં રૂધિર પીધાં. પણ ઘણા આગળ એકનો શો હીસાબ ? તેનું શરીર ઘાએ વીંધાઈ ગયું, આખું અંગ લોહીથી તરબોળ થઈ ગયું, અને અંતે એક કારી ઘા વાગવાથી, તથા લોહી વહેવાને લીધે અશકત થઈ જવાથી તે પડ્યો, અને એક ભયંકર ચીસની સાથે તેનો આત્મા આ દુષ્ટ તથા પ્રપંચી દુનિયાનો ત્યાગ કરી તેની અસલ ભૂમિમાં મહાન ન્યાયાધીશના તખ્ત આગળ જઈને ઉભો રહ્યો.

કેશવની મરતી વખતની ચીસ સાંભળતાં જ રૂપસુન્દરીને ભાન આવ્યું, તથા આસપાસનો બનાવ જોઈ બોલી ઉઠી: “શિવ, શિવ, રે ભગવાન આ તે શો દૈવકોપ!” તે વધારે બોલે છે એટલામાં રાજાના સિપાઈઓએ તેને પકડી ઉંચકી લીધી, અને ઘરબહાર લઈ ગયા. બેભાન અવસ્થામાં રૂપસુન્દરીને સુખાસનમાં બેસાડી રાજમહેલમાં લાવ્યા અને સિપાઈઓ પોતપોતાને કામે વળગ્યા.