પૃષ્ઠ:Karanghelo.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૪૧ )


રાજ્યપાઠિકાની ચંદ્રશાળામાં એક પલંગ ઉપર રૂપસુંદરી સુતેલી હતી અને તેની પાસે કરણ રાજા બેઠેલો હતો. રૂપસુંદરીના કેશ છુટા તથા વીખરાઈ ગયલા હતા, તેની આંખ બેબાકળી થઈ ગયલી હતી, અને અગર જો તેને શુદ્ધિ તો આવેલી હતી, તે પણ આ અકસ્માત્ અને વગર ધારેલા બનાવથી તેનું મગજ ગુંચવાઈ ગયલું હતું. રાજા તેની આસનાવાસના કરતો હતો, અને તેના મનનું સમાધાન કરવાને તથા હવે જે થયું તે થયું અને જેવો વખત તેવું ચાલવું એ વાત તેના દીલમાં ઉતારવાને તે ઘણાએક પ્રયત્ન કરતો હતો.

રાજાની એ સઘળી વાતથી રૂપસુન્દરીના મનનું લેશમાત્ર પણ સમાધાન થયું નહી. તેના હૈયામાં શોકનો ઉભરો ચઢી આવ્યો. તેના મનમાં વિચારના તરંગ ઉપર તરંગ ઉઠવા લાગ્યાઃ– “અરે મારા ધણી, તેં મને લાડ લડાવવામાં કાંઈ બાકી રાખી નથી, તને પ્રધાનવટું મળ્યું નહતું, તું જ્યારે ગરીબ અવસ્થામાં હતો, ત્યારે પણ તેં દુઃખ ભોગવી મને સુખ આપ્યું. પાણી માગેલું ત્યારે દુધ આપેલું, અને કોઈ દહાડે મેં અપરાધ કીધા છતાં પણ તેં મને કડવા બોલ કહ્યો નથી. અરે ! તે સુખ તે હવે વહી ગયું ! હવે હું તારૂં મ્હોં ફરીથી ક્યાં જોઈશ ? તને પાનસોપારી હવે ક્યારે આપીશ ? તું જ્યારે ફીકર ચિંતામાં ઘેર આવશે ત્યારે મ્હોં હસતું રાખી તારી દિલગીરી કોણ કાઢી નાંખશે ? અરે હું દુષ્ટ ચંડાળણી, તારો પાડ તે હું ક્યારે વાળીશ ? તારું કીધેલું કોઈથી થવાનું નથી. મને અત્યાર સુધી કાંઈ છોકરાં ન થયાં તો પણ મારા જીવને કલેશ થાય માટે તે જરાં પણ તે વિષે શોક બતાવ્યો નથી. હાય હાયરે ! તે દહાડા તો ગયા, પણ હું જીવીશ ત્યાં સુધી તેને ભુલવાની નથી, અરે મહાદેવ, ઓ જગતપિતા, મને પાપીને તું ગમે તે કર, પણ મારા પરમપ્રિય સ્વામિને તું સદા આરોગ્ય, સુખી ધનવંત રાખજે. મારા ખરા દીલથી એ પ્રાર્થના છે તે તું સાંભળજે. અરે મારા દીયરજી, તારે સારૂં તો હું મારાં આંસુએ સાગર ભરૂં તો પણ થોડું છે તેં મારી આમન્યા કોઈ દિવસ લોપી નહતી, તેં મને મા સમાન ગણી હતી, અને મેં તને મારી આંખે મારૂં રક્ષણ કરવામાં ભોંય ઉપર લોહીમાં આળોટતો જોયો. તેં તારૂં જોર, જુવાની, તારી આશા, સ્ત્રી, તારો