પૃષ્ઠ:Karanghelo.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૪૨ )


આવરદા મને આવી ભયંકર રીતે અર્પણ કીધાં; તું મારી ખાતર ભરજુવાનીમાં મુઓ, એ સઘળાને બદલો હું તે ક્યારે વાળીશ ? અરે મારી દેરાણી, તારૂં હમણાં કેવું મ્હોડું થયું હશે તે મારી આંખ આગળ આવે છે એટલે મારી છાતી ફાટી જાય છે. હાય ! હાય ! તારી શી ગતિ થશે ! તારી ઉમર કેટલી? હજી તો હમણાં સોળ વર્ષ પુરાં થયાં એટલામાં મુવા દૈવે તને રંડાપો મોકલ્યો, હવે એ દહાડા તે કેંમ જશે ? તું મને લાખો ગાળો દેશે તેથી મારા જીવને નિરાંત વળશે. અરે રામ ! તારા દુઃખનો કાંઈ કાંઠો નથી, તારી હવે કોણ પરવરશી કરશે ? તારા પીહેરમાં પણ સુખી નથી; તારી ભાભી તને ટપલા મારી સુકો રોટલો ખવડાવશે; એ બધું મારે લીધે, તું જીવતી મોઈ, અને તારા ધણીના તથા તારા મોતની હત્યા મારે માથે બેઠી. અરે પરમેશ્વર, તેં મને બળ્યું રૂપ શા સારૂં આપ્યું ? એ મુઆ રૂપથી આ સઘળી ખરાબી થઈ છે એ સઘળાં પાપથી હું ક્યારે છુટીશ? જીવતાં સુધી મારા મનમાં પસ્તાવાનો તાપ બળ્યાં જ કરશે તે કદાપિ રાજા કહે છે તે પ્રમાણે મને ગમે તેટલું સુખ થશે તો પણ નહી હોલવાય એવા અગ્નિથી હું બળી બળીને મરી જઈશ. ઓ ભગવાન ! તે દહાડો જલદી આવે તો સારૂં. વળી પરમેશ્વરે બ્રાહ્મણમાં અને સૌથી ઉંચી નાગરી ન્યાતમાં મને જન્મ આપ્યો તે સઘળું મિથ્યા. મારા એક ભવમાં બે ભવ થયા. કોણ જાણે કયા જન્મનાં પાપ નડ્યાં. ન્યાત, જાત, સગાં, વહાલાં, માબાપ, ભાઈ, ભોજાઈ, બહેન વગેરે સઘળાં કુટુંબના માણસોને મન તો હું આજ મરી ગઈ અરે ! તમે મારૂં આજ સ્નાન કરજો, હું તેઓને કોઈ વખત મળીશ તો ખરી, પણ હવે કાંઈ પહેલાં જેવો વહેવાર રહેવાનો છે? શું હવે એકઠાં મળીને ખવાવાનું છે? આખા નગરમાં સૌ મારે ફીટકાર કરશે. રાજાના મહેલમાં સૌ મને શત્રુભાવે જોશે. બીજી રાણીઓ મારી અદેખાઈ કરશે. અને રાજાનો ભરોસો શો ? રૂપ તો ક્ષણભંગુર, રૂપ ઉપરનો મોહ ખોટો સમજવો. પણ લાચાર, હવે બીજો શો ઉપાય ? જે બન્યું તે બન્યું. દૈવની ગતિ આગળ કોઈ ડાહ્યું છે? મારા નસીબમાં આ દુઃખ લખેલું હશે તે કોટી ઉપાયે પણ મિથ્યા