પૃષ્ઠ:Karanghelo.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૪૫ )

એવા શબ્દો કાઢી મોટેથી બૂમ પાડી રોતા હતા. ઘરમાં ગયા કે પરસાળમાં એક ભયાનક દેખાવ નજરે પડતો હતો, એક ખુણામાં કેશવની વહુની મા, બેન, માસી, ઈત્યાદિ બીજાં સગાં બેઠેલાં હતાં, અને બીજે છેડે કેશવનું શબ પડેલું હતું. ગાયના પવિત્ર ગણાતા છાણથી સ્વચ્છ કીધેલી ભોંય ઉપર દર્ભ પાથરીને શબને સુવાડેલું હતું, અને તેના માથા આગળ નીચું માથું ઘાલી તેની ધણિયાણી બેઠેલી હતી.

એ સ્ત્રી તેની ઉમરના પ્રમાણમાં વધારે લાંબી હતી, તેનો રંગ ઘઉંલો હતો; અને અગરજો તે કાંઈ દેખાવડી ગણાતી ન હતી તો પણ આ પ્રસંગે તેના લોહીમાં જુસ્સો આવવાથી તેના તમામ શરીરનો રંગ રતાશ મારતો હતો, તેના મ્હોડા ઉપર એક પ્રકારનું તેજ પથરાયલું હતું. તેની આંખ એવી તો વિકરાળ તથા હિંગળોક વર્ણ થઈ ગઈ હતી કે તેને જોઈને કોઈ પણ પુરૂષ થથરી જાય, અને તે કોઈ ઈશ્વરી માતા છે એવું તેના મનમાં આવી તેને પગે પડવાની તેની મરજી થઈ આવે. તેનો એવો ઉગ્ર ચેહેરો જોઈને તેની માની પણ તેની પાસે જવાની હિંમત ચાલતી નહતી. તે એકલી પોતાના સ્વામિને એકાગ્ર ચિત્તે જોઇને બેસી રહેલી હતી, અને તેની આસપાસ જે રડાપીટ તથા શોરબકોર થતો તે ઉપર તેનું જરા પણ લક્ષ જતું નહતું, ઘણા લોકના મનમાં હતું કે તેને જલદીથી સત ચઢશે; પણ હજી તેમ થવાનાં ચિન્હ નજરે પડતાં નહતાં, તેની મા ઘેલી જેવી થઈ ગઈ હતી, અને છોકરીને આ રંડાપો આવ્યો તેના અત્યંત દુ:ખની સાથે તેને જોસ ચઢશે તો તે પણ બળી મરશે એવી ધાસ્તી ઉભી થવાથી તેને વધારે સંતાપ થવા લાગ્યો હતો. અત્યાર સુધી તો તેનો એવો અભિપ્રાય હતો કે છેાકરી રંડાય તેના કરતાં મરે તે સારૂં. રંડાય તો મ્હોં આગળ એક ધગધગતી સગડી થઈને પડે; તેને જોયાથી નિરંતર દુઃખનું સ્મરણ રહે; તેના જીવને ઘડી ઘડી ક્લેશ થયાં કરે તેથી તેના માબાપનાં હૈયાનો તાપ હોલવાય જ નહી. એથી ઉલટું તે મરે તો ઘણું દુઃખ લાગે ખરૂં, પણ તે દુઃખનો અંત પણ તે જ વખતે; પછી દેખવુંએ નહી અને દાઝવુંએ નહીં, પણ હવે તેને લાગ્યું કે મરવા કરતાં રંડાઇને જીવતી રહે તે સારૂ. તે એવી અવસ્થામાં જીવે તેમાં ઉપર કહેલાં દુ:ખ તો