પૃષ્ઠ:Karanghelo.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૪૭ )

મરાય ? માટે હવે જીવવું, અને જે થાય તે જોવું, તે સિવાય બીજો કાંઈ ઉપાય નથી.”

આ વાત સાંભળતાં જ ગુણસુંદરીના મ્હોં ઉપર વધારે લોહી ચઢી આવ્યું, તેની આંખ વધારે લોહીવર્ણ થઈ, તેનું આખું શરીર થરથર ધ્રુજવા લાગ્યું, અને જે મહાભારત દુ:ખ તેના ઉપર આવી પડ્યું હતું તેની અસર તેના અવાજ ઉપર થવાને બદલે તેના શબ્દ વધારે જુસ્સાથી તથા સ્પષ્ટતાથી નીકળવા લાગ્યા, અને તે કોઈ દહાડો વાચાળ ન હતી તેવી આ વખત થઈ. તે બોલી:–“હવે જીવવું ? જેણે મારો હાથ પકડ્યો, જેની સાથે ઘણાં વર્ષ આ સંસારમાં સુખમાં અથવા દુ:ખમાં કાઢવાની આશા બાંધી, જેણે મને મનગમતાં લાડ લડાવ્યાં, જેણે આટલાં વર્ષમાં એક કડવો સુખન કહ્યો નથી, જે બહાર વાઘ જેવા ગણાતા, પણ મારી સાથે જેની વર્તણુક ગરીબ ગાયના જેવી હતી, તે આટલી નાની ઉમ્મરમાં આવે અકાળ મોતે મારાથી રીસાઈ ગયા, અને હું દુષ્ટ પાછળ પડી જાઉં ? ના ના, તે જ્યાં હશે ત્યાં હું જઈશ. તેનું જે થશે તે મારૂં થશે. હવે જીવવું ? જીવીને મારા ધણીની અસદ્ગતિ કરાવવી, અને જે પૂર્વ જન્મમાં પાપથી તેનું આવું મૃત્યુ થયું તે પાપ ધોઈ નાંખવાનું મારા અખતિયારમાં હોવા છતાં આ ક્ષણભંગુર જગતમાં થોડા દહાડા દુ:ખેપાપે કાઢવા સારૂ તેના અક્ષય સુખનો નાશ કરૂં ? હવે જીવવું ? જીવીને ઘરેણાંનો ત્યાગ કરી રુદ્રાક્ષની માળા ધારણ કરવી, અને મારાં વહાલાં લુગડાં બચકે બાંધી ધોળું વસ્ત્ર પહેરી ફરવું? હવે જીવવું ? જીવીને સઘળા વ્યવહારથી દૂર રહેવું, અને સઘળાં શુભ કામમાં મારો ઓળો પડવા ન દેવો ? હવે જીવવું ? જીવીને લોકોમાં રાંડ કહેવડાવવું, અને રસ્તામાં કોઈને મળું તો તે અપશકુન સમજી પોતાના ઘરમાં પાછા ભરાઈ જાય તે સહન કરવું! હવે જીવવું? જીવીને ઘરમાં બોજો થઈ પડવું અને માબાપના દુ:ખનું મૂળ થવું? હવે જીવવું? જીવીને ભાઈ ભોજાઈના ઠોક ખાવા અને પેટને સારૂ હલકામાં હલકી પરતંત્રતાની અવસ્થા ભોગવવી ! હવે જીવવું ? જીવીને શું સુખ ભેાગવવું ? જીવવાથી ફળ શું ? માટે એવી રીતે જીવવા કરતાં મરવું લાખ ગણું સારૂં. માટે મરવું એ જ સિદ્ધાંત એમાં કંઈ સંશય નહી, માટે